26 અનાથ આશ્રમ, 46 મફત સ્કૂલો ચલાવતો સાઉથનો સુપરસ્ટાર રિયલ લાઈફ હીરો હતો

March 17, 2025

17 માર્ચ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે જ કન્નડ સિનેમાના પાવર સ્ટાર પુનીત રાજકુમારનો જન્મ થયો હતો. આજે તેમના 50મા જન્મદિવસ પર ચાહકો સાઉથ સુપરસ્ટાર પુનીત રાજકુમારને યાદ કરી રહ્યા છે. પુનીત રાજકુમાર કર્ણાટકના પ્રખ્યાત એક્ટર હતા. એક્ટરનું 29 ઓક્ટોબર, 2021ના ​​રોજ 46 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું હતું. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ સરકારે આખા બેંગલુરુ શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી અને બે દિવસ માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભલે તે આજે આપણી વચ્ચે નથી, છતાં પણ તેમના ચાહકો દુનિયાભરમાં આજે પણ છે. તેમણે જેટલું નામ અને ખ્યાતિ પોતાની એક્ટિંગથી મેળવી, તેના કરતા વધારે તેઓ પોતાના ઉમદા કાર્ય માટે ચર્ચામાં રહ્યા છે.  પુનીત રાજકુમાર એક રિયલ લાઈફ હીરો હતો.  પુનીત કન્નડનો હાઈએસ્ટ પેડ એક્ટર પણ હતો. તેમની 14 ફિલ્મો સતત 100 દિવસ સુધી થિયેટરોમાં ચાલી હતી. એક્ટર રિયલ લાઈફમાં પણ ખૂબ જ ઉદાર હતા. સમાજ સેવા માટે 26 અનાથ આશ્રમ અને ગરીબ બાળકો માટે 46 મફત સ્કૂલો ચલાવતા હતા. પુનીતે પોતાની આંખો દાન કરી હતી. તેમના મૃત્યુ પછી કર્ણાટકમાં 1 લાખ લોકોએ પોતાની આંખોનું દાન કર્યું કારણ કે તેઓ પુનીતના માર્ગે ચાલવા માગતા હતા. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'પ્રેમાદા કનિકે'થી કરી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. 6 મહિનાની ઉંમરે મોટા પડદા પર નજર આવેલ આ સુપરસ્ટાર હવે આપણી વચ્ચે નથી, પરંતુ પોતાના સારા કાર્યોને કારણે તેઓ હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે. 2019માં ઉત્તર કર્ણાટકમાં પૂર આવ્યું હતું. આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ માટે પુનીત રાજકુમાર આગળ આવ્યા હતા. બીજી તરફ કોરોના મહામારી દરમિયાન તેમણે કર્ણાટક સરકારના રાહત ભંડોળમાં 50 લાખ રૂપિયા આપ્યા હતા. પુનીત 46 મફત સ્કૂલો, 26 અનાથ આશ્રમ, 16 વૃદ્ધાશ્રમ અને 19 ગૌશાળા ચલાવતા હતા. આ ઉપરાંત તેમણે ઘણી કન્નડ ભાષી શાળાઓને નાણાકીય સહાય પણ પૂરી પાડતા હતા.