આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત

August 03, 2025

વિશાળ પથ્થરનો ભાગ તૂટી શ્રમિકો પર પડ્યો

બાપટલા : આંધ્ર પ્રદેશ બાપટલા જિલ્લામાં ગ્રેનાઈટની ખાણમાં દુર્ઘટના સર્જાતા છ શ્રમિકોના મોત અને 10ને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓ ઓડિશાના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પૂરજોશમાં રાહત-બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તપાસના આદેશ આપી દીધા છે.


પોલીસના જણાવ્યા મુજબ બાપટલા જિલ્લાના બલ્લીકુરવામાં સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં આજે (3 ઓગસ્ટ) સવારે દુર્ઘટના બની હતી, જેમાં ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થયો હતો. જ્યારે ઘટના બની ત્યારે ખાણમાં 16 શ્રમિકો હતા. દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા થઈ છે.

કાટમાળ હેઠળ દબાઈ ગયેલા શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ચાર શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને નરસારાવપેટની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

રિપોર્ટ મુજબ, રવિવારે સવારે જ્યારે મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ પથ્થરનો હિસ્સો તૂટીને તેમના પર પડ્યો હતો. પોલીસની પ્રારંભિક તપાસ મુજબ, એવી શંકા છે કે, ખડકોમાં પાણી ભરાઈ જવાના કારણે ખડકો નબળા પડી જતા તૂટી પડ્યો હશે. જોકે, ઘટનાના ચોક્કસ કારણની તપાસ માટે ફોરેન્સિક ટીમ અને અન્ય સંબંધિત વિભાગો કામ કરી રહ્યા છે. 


આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપ્યો છે.