અમેરિકાઃ જાહ્નવી કંડુલાના મોત માટે સિએટલના મેયરે માફી માંગી, પોલીસ અધિકારી સામે દેખાવો

September 17, 2023

વોશિંગ્ટન- ભારતીય વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાના અમેરિકાના સિએટલ શહેરમાં થયેલા મોતનો મુદ્દો એ હદે ગરમાયો છે કે, બંને દેશોના રાજકીય સબંધોમાં પણ તેના પ્રત્યાઘાત પડી રહ્યા છે.
સિએટલ શહેરમાં પોલીસ અધિકારીના કારની ટક્કરથી જાહ્નવીનુ મોત થયુ હતુ. આમ છતા આ પોલીસ અધિકારીને કોઈ અફસોસ થયો નહોતો. ઉલટાનુ તેણે વિદ્યાર્થિની મોત પર અટ્ટહાસ્ય કર્યુ હતુ. જેનો વિડિયો વાયરલ થયા બાદ અમેરિકા અને ભારતમાં ભારે આક્રોશ છે. હવે સિએટલના મેયરે વિદ્યાર્થિનીના મોત બદલ માફી માંગી છે .જાહ્નવી જે યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ કરી રહી હતી તે યુનિવર્સિટીએ પણ તેને મરણોપરાંત માસ્ટર્સ ડિગ્રી આપવાની જાહેરાત કરી છે.
જાહ્નવીનુ જાન્યુઆરી મહિનામાં પોલીસ કારની અડફેટે મોત થયુ હતુ. તે સિએટલની નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એક્સ્ચેજન પ્રોગ્રામના ભાગરુપે અભ્યાસ કરી રહી હતી. ડિસેમ્બરમાં તેનો અભ્યાસ પૂરો પણ થવાનો હતો. કાર ચલાવી રહેલા પોલીસ ઓફિસર કેવિન ડેવ વિદ્યાર્થિનીના મોત પર હસતો નજરે પડ્યો હતો.
તેના શરીર પરના કેમેરામાં આ દ્રશ્ય રેકોર્ડ પણ થયુ હતુ. આ દરમિયાન કેવિન ડેવે પોતાના ઉપરી પોલીસ અધિકારી સાથે વાત કરી ત્યારે એવુ પણ કહ્યુ હતુ કે, તે મરી ગઈ છે અને તે 26 વર્ષની હતી. તેની બહુ વેલ્યૂ નહોતી. 11000 ડોલરનો ચેક આપવાનો થશે... કેવિન ડેવની ગાડીએ જ્યારે જાહ્નવીને ટક્કર મારી ત્યારે તેની સ્પીડ 74 માઈલ હતી .જ્યારે એ વિસ્તારમાં સ્પીડ લિમિટ 50ની છે.
ભારતીય કોન્સ્યુલેટે પણ આ ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે તો બીજી તરફ ભારતીય સમુદાયના લોકો આરોપી પોલીસ ઓફિસરને આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે દેખાવો પણ કરી રહ્યા છે.