ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને જાનથી મારી નાખવાની મળી ધમકી

November 13, 2024

પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભોજપુરીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી પાસેથી ફોન પર 50 લાખ રૂપિયાની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે જો તે ખંડણીના પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે કહ્યું છે કે જો 2 દિવસમાં આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવામાં આવશે.

અભિનેત્રી અક્ષરા સિંહે આ મામલે બિહારના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાનાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે લેખિત ફરિયાદ આપી છે. અક્ષરા પોતે પણ દાનાપુરમાં રહે છે. તેની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોન કરનારે અક્ષરા પાસેથી ખંડણીની માંગણી કરી હતી અને તેને ધમકી પણ આપી હતી અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.