નિજ્જરની હત્યા અંગે કેનેડાની મુઠ્ઠી ખુલી ગઈ, બહાનાબાજી કરવા લાગ્યું

June 23, 2024

- હરદીપસિંહની હત્યા પહેલા ઘણા સમયે તેને નાફેલાઈ લિસ્ટમાં મુકાયો, તેના બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરાયા તે માટે કેનેડાનો કોઈ જવાબ નથી


ઓટાવા : ખાલિસ્તાનના મુદ્દા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોનું વલણ જગજાહેર છે. કેનેડા ખાલિસ્તાનીઓને ભરપુર મદદ કરી રહ્યું છે. ગત વર્ષે જ્યારે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ તો તેનો આક્ષેપ વડાપ્રધાન ટ્રુડોએ ભારત પર મુક્યો હતો. થોડા દિવસો પુર્વે કેનેડાની સાંસદે હરદીપસિંહના નિધનની તારીખે એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. આ સાથે ભારત સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. પરંતુ અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કેનેડાના મંત્રી ક્રીસ્ટિયા ફ્રીલેન્ડને જે સવાલો પુછાયા તેથી કેનેડાની મુઠ્ઠી ખુલી ગઈ.


પત્રકારોએ કહ્યું કે હત્યા પહેલાના કેટલાક સમય પુર્વે હરદીપસિંહ નિજ્જરને નાફેલાઈ લિસ્ટમાં મુકવામાં આવ્યો હતો. તેના બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરાયા હતા પરંતુ હત્યા પછી કેનેડાની સાંસદે એક મિનિટનું મૌન પાળી તેને શ્રદ્ધાંજલી અર્પી હતી. તેનો તમારી પાસે શો જવાબ છે ? ત્યારે ઘડીભર તેઓ મૌન થઈ ગયા હતા. પરંતુ પછીથી બહાનું શોધી કાઢતા હોય તેમ તેમણે કહ્યું કેનેડાની સરકાર, કેનેડાની ધરતી ઉપર કે ધરતીની બહાર પણ કોઈપણ કેનેડીયન નાગરિક હત્યા થાય તે અસ્વીકાર્ય જ છે. આ સાથે કેનેડાની સાંસદના હાઉસ ઓફ કોમન્સમાં કેનેડાની સરકારે લીધેલા વલણનો પણ બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તે વલણ યોગ્ય જ હતું. પરંતુ તેમ કરવું પણ સરળ ન હતું. કેનેડાની સરકાર માટે તો તમામ નાગરિકો સમાન છે. ત્યારે પત્રકારોમાંથી કોઈએ પૂછયું ''આંતકવાદીઓ પણ ?'' ત્યારે, તેઓ પાસે કોઈ જવાબ ન હતો. તેઓએ ગોળ ગોળ જવાબ આપતા એટલું જ  કહ્યું કે ''કેનેડાની સરકાર માને છે કે તેના તમામ નાગરિકો સુરક્ષિત  રહેવા જોઈએ.'' ત્યારે પત્રકારોમાં હળવું હાસ્યની મોજું ફરી વળ્યુ તેમણે કહ્યું ''દુનિયાના તમામ દેશોની સરકારો તેમજ માને છે તેમાં નવું શું છે ?'' આથી ફ્રીલેન્ડ છોભિલા પડી ગયા. પત્રકાર પરિષદ સમેટી લીધી.