કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

December 17, 2024

કેનેડાના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામું આપતા કહ્યું કે, તેઓ હવે કેનેડા માટે શ્રેષ્ઠ માર્ગને લઈને વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સાથે સહમત નથી.

ફ્રીલેન્ડ સંસદમાં આર્થિક ઘટાડાના આંકડા રજૂ કરવાની હતી. તેના થોડા કલાકો પહેલા જ તેમણે પદ છોડી દીધું. આ દસ્તાવેજમાં મોટા પ્રમાણમાં એ જણાવવાની આશા હતી કે, સરકારે 2023-24નું બજેટ નુકસાની યોજનાથી ઘણું મોટું કરી દીધું છે. 

ફ્રીલેન્ડે ટ્રૂડોને એક પત્ર લખ્યો, જેને તેમણે એક્સ પર પોસ્ટ કર્યો. તેમાં તેમણે કહ્યું કે, 'છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમે અને હું કેનેડાને આગળ વધારવાને લઈને અસમંજસમાં છીએ.' જણાવી દઈએ કે, કેબિનેટમાં ટ્રૂડોના સૌથી નજીકના સહયોગીઓમાંથી એક મનાતા ફ્રીલેન્ડે નાણાં મંત્રીની સાથોસાથ નાયબ વડાપ્રધાન તરીકે પણ કામ કર્યું.

કેનેડિયમ મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ફ્રીલેન્ડ અને ટ્રૂડો વચ્ચે અસ્થાયી ટેક્સ બ્રેક્સ અને અન્ય ખર્ચના પગલાં માટે સરકારી પ્રસ્તાવ પર વિખવાદ થયો હતો. ફ્રીલેન્ડે ટ્રુડોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "શુક્રવારે, તમે મને કહ્યું હતું કે તમે મને નાણાં મંત્રી તરીકે રહેવા દેવા ઈચ્છતા નથી અને તમે મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી."

તેમણે કહ્યું હતું કે, 'ચિંતન કરવા પર, હું એવા નિષ્કર્ષ પર પહોંચી છું કે મારા માટે રાજીનામું આપવું એ એકમાત્ર ઈમાનદાર અને યોગ્ય પગલું છે.' ટ્રુડોની ઓફિસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

તેમની જગ્યાએ બેંક ઓફ કેનેડાના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્નેને આગામી નાણાં મંત્રી બનાવવામાં આવી શકે છે. જેઓ પહેલાથી જ ટ્રુડોના આર્થિક સલાહકાર તરીકે સેવા આપે છે. જો કે, કાર્ને સંસદના સભ્ય નથી અને પરંપરા મુજબ તેમણે ચૂંટાયેલા હાઉસ ઓફ કોમન્સની સીટ માટે ચૂંટણી લડવી પડશે.