જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પોલીસે લગાવ્યા આરોપ

December 20, 2024

ટોરોન્ટો   : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. પાર્ટીના સાંસદો તેમના રાજીનામાંની માગ કરી રહ્યા છે ત્યારે કેનેડાના પોલીસ એસોસિએશને પણ તેમના પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટોરોન્ટો પોલીસ એસોસિએશન અને ડરહામ પ્રાદેશિક પોલીસ એસોસિએશને જાહેરમાં જસ્ટિન ટ્રુડોની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

પોલીસ એસોસિએશનનો આરોપ છે કે ટ્રુડો સરકારની ખોટી નીતિઓને કારણે કેનેડામાં ગુનાહિત સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે. ગેરકાયદેસર હથિયારો અને ડ્રગ્સનો ફેલાવો વધ્યો છે. ગુનેગારોની ધરપકડ કર્યા પછી પણ તેઓને કોર્ટમાંથી તરત જ જામીન મળી જાય છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર ઊંડી અસર પડી રહી છે.

ટોરોન્ટો પોલીસ એસોસિએશને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જસ્ટિન ટ્રુડોની ટીકા કરતા કહ્યું કે ખોટા વચનો અને વાતોનો કોઈ અર્થ નથી, આ નીતિઓ સામાન્ય નાગરિકો અને અમારા સભ્યો સાથે કપટ છે. તેમજ તે હિંસક અપરાધ અને બંધૂકના ગુનાને પણ પ્રોત્સાહન આપે છે. જામીન મામલે સુધારણાનો અભાવ આપણા સમગ્ર સમાજને જોખમમાં મૂકે છે.

જયારે ડરહામ પ્રાદેશિક પોલીસ એસોસિએશને પણ ટોરોન્ટો પોલીસ એસોસિએશનને ટેકો આપ્યો હતો. જસ્ટિન ટ્રુડો પર અવિશ્વાસ વ્યક્ત કરીને તેમના રાજીનામાની માંગ કરી હતી અને કહ્યું હતું કે દેશમાં નવી ચૂંટણીઓ થવી જોઈએ.

ટીકાકારોનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદીઓના પ્રભાવમાં આવીને કાયદો અને વ્યવસ્થાને નબળી બનાવી રહ્યા છે. ખાલિસ્તાની સમર્થકો ગન કલ્ચર અને ડ્રગ્સના વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે.

તેમજ પોલીસ દ્વારા વડાપ્રધાન પર અવિશ્વાસ વ્યક્ત કરવો એ દર્શાવે છે કે કેનેડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની છે. પોલીસ અને વડાપ્રધાન વચ્ચે અવિશ્વાસની આ સ્થિતિ ગુનેગારો સામેની કાર્યવાહીને વધુ જટિલ બનાવી રહી છે.