ચીને ઉત્તરાખંડમાં કેમ્પ નાખી માર્ગ અને હેલિપેડ નિર્માણનો કારસો ઘડયો

May 24, 2023

ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓ છોડવા નથી માગતું. પૂર્વી લદ્દાખમાં ભારત સાથે ચાલી રહેલી પ્રવૃત્તિઓ વચ્ચે ચીનની સેના ઉત્તરાખંડમાં નીતિ પાસની સામે પોતાના વિસ્તારમાં કેમ્પ તૈયાર કરી રહી છે. સેનાનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ચીની પીએલએની સેના આ વિસ્તારમાં રોડની સાથોસાથ હેલિપેડ પણ બનાવી રહી છે.

સૂત્રોનું માનીએ તો ચીન ઉત્તરાખંડની સામી દિશામાં મધ્યક્ષેત્રને હવાઈ સંપર્કથી જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનના આ પગલાથી સાબિત થાય છે કે ઉત્તર અને પૂર્વનાં સેક્ટરો પછી હવે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ના શાંત વિસ્તારોમાં દાખલ થઈ રહ્યું છે. આ વિસ્તાર ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશની સરહદે આવેલી એલએસીની નજીક છે.

ચીન મિલિટરી ઇન્ફ્રાસ્ટ્ક્ચર અને કનેક્ટિવિટી વધારવા પર કામ કરી રહ્યું છે. નીતિ પાસની નજીક સારંગ અને પોલિંગ ઝિંદમાં ચીન તરફથી હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે નીતિ પાસ અને તુંજુન પાસની નજીક ચીનના સૈન્યના નવા કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે.