ફરી એક વખત ભૂસ્ખલનની લપેટમાં કોલંબિયા: 33 લોકોના મોત, અનેક ઘાયલ

December 06, 2022

નવી દિલ્હી: કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય વાહનો દટાઈ ગયા હતા જેમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. સોમવારે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે. કોલંબિયાના ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ કહ્યું કે, આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ. અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહ મળ્યા છે. આ ઉપરાંત 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી ચારની હાલત ગંભીર છે. કોલંબિયાની રાજધાની બોગોટાથી લગભગ 230 કિમી દૂર કોફી ઉત્પાદન માટે પ્રખ્યાત કોલંબિયાના પર્વતીય પ્રદેશમાં પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા ગામો વચ્ચે પ્રવાસ કરતી વખતે એક બસ સહિત અનેક વાહનો રવિવારે ભૂસ્ખલનમાં દટાયા હતા.
દટાયેલી બસ કોલંબિયાના ત્રીજા સૌથી મોટા શહેર કૈલી અને કોન્ડોટો નગર પાલિકા વેચ્ચે રસ્તામાં હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમાં લગભગ 25 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, જ્યારે કાટમાળ નીચે આવી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે બસને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો અને બસ થોડી પાછળ હતી. તેમણે જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે પણ ડ્રાઈવર બસને પાછળ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટનામાં ઘાયલ 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોલંબિયાના નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટએ અનુમાન લગાવ્યું છે કે, ઓગસ્ટ 2021 થી આ વર્ષના નવેમ્બર વચ્ચે લા નીના ક્ષેત્રમાં ઇમરજન્સી ઘટનાઓથી આશરે 271 લોકોના મોત થયા છે અને 743,337ની અસરગ્રસ્ત વસ્તીમાંથી અન્ય 348 લોકો ઘાયલ થયા છે.