‘ડરો મત’ રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આવતાં જ કોંગ્રેસે ટ્વિટર પ્રોફાઈલ બદલી

March 23, 2023

નવી દિલ્હી, : કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સજા બાદ જોરશોરથી રાજકારણ થઈ રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે કોંગ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. આ સાથે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ આ ફોટો પોતાની પ્રોફાઇલ પર લગાવી દીધો છે. 

કોંગ્રેસે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સત્તાવાર એકાઉન્ટ્સમાં એક નવો પ્રોફાઇલ ફોટો મુકી શેર કર્યો છે. આ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે ‘ડરો મત’...

ઉલ્લેખનિય છે કે, આજે રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં 4 વર્ષથી માનહાનિનો કેસ ચાલી રહ્યો હતો. કારણ કે, વર્ષ 2019માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ રેલી કર્ણાટકના કોલારમાં યોજાઈ હતી અને તેમણે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રાહુલના નિવેદન સામે ગુજરાતના બીજેપી નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેસ દાખલ કર્યો હતો. આ કેસ માનહાનિનો હતો અને સુરત કોર્ટમાં કેસને ચલાવાયો હતો. આજે આ કેસ પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. જો કે રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ કોર્ટે 30 દિવસ માટે જામીન આપ્યા હતા. હવે રાહુલ આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે.