'વાદળો દ્વારા પર્વર્તોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ...', હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર

August 04, 2025

શું તમને લાગે છે કે પર્વતોની હવા અને વાદળો હંમેશા સ્વચ્છ અને શુદ્ધ હોય છે? જો હા, તો એક નવી સ્ટડી તમને ચોંકાવી શકે છે. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વાદળો દ્વારા ધૂળ અને પ્રદૂષણથી ભરેલી જીવલેણ ધાતુઓ ભારતના પર્વતીય વિસ્તારો, જેમ કે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટમાં પહોંચી રહી છે. આ ધાતુઓ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભો કરી રહી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ બધું શું છે? આ કેવી રીતે થઈ રહ્યું છે? આનાથી શું જોખમ છે? આ સ્ટડી એન્વાયર્નમેન્ટલ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ રિપોર્ટ દર્શાવે છે કે વાદળો કેડમિયમ (Cd), નિકલ (Ni), કોપર (Cu), ક્રોમિયમ (Cr) અને ઝીંક (Zn) જેવી જીવલેણ ધાતુઓને લઈને આવે છે. આ ધાતુઓ માત્ર ન કેન્સર જેવા ખતરનાક રોગોનું કારણ બની શકે છે, પરંતુ તે બાળકોમાં હાડકાની નબળાઈ, કિડનીની સમસ્યાઓ અને માનસિક વિકાસની સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. કોલકાતાની બોઝ ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ આ રિસર્ચ કર્યું છે. વિજ્ઞાનીઓએ ઉનાળાના છેલ્લા દિવસોથી લઈને 2022માં ચોમાસાની શરૂઆત સુધીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર (IITM કેમ્પસ) અને પૂર્વ હિમાલયમાં દાર્જિલિંગ (બોસ ઈન્સ્ટિટ્યૂટ) માંથી લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ચોમાસાના વાદળો બંગાળની ખાડી દ્વારા પશ્ચિમ ઘાટથી થઈને હિમાલય સુધી પહોંચે છે. તેમણે એવા વાદળોનો અભ્યાસ કર્યો જે વરસાદ નથી પાડતા (નૉન-પ્રેસિપિટેટિંગ ક્લાઉડ). તેમને જાણવા મળ્યું કે તેમાં ધાતુઓનું પ્રમાણ વધુ છે. આ ધાતુઓ હવામાં તરતી રહે છે અને શ્વાસ લેવાથી, પીવાના પાણીથી કે ત્વચાના સંપર્કથી શરીરમાં પ્રવેશ કરે છે. આનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.