'ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી? સરકારને ફક્ત પોતાની જ સુવિધા રાખવી છે' સુરતના મૃતકની પત્નીનો નેતાઓને ચોટદાર સવાલ

April 24, 2025

કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોનાં મોતને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. આ આતંકવાદી હુમલામાં સુરતના એક અને ભાવનગરના બે સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આતંકી હુમલાનો ભોગ બનનાર સુરતના શૈલેષ કળથીયાનો પાર્થિવ દેહ તેમના ભાઈના નિવાસ્થાને લાવવામાં આવ્યો ત્યારે ભારે ગમગીની થઈ હતી. આ દરમિયાન મૃતકની પત્નીએ અંતિમ યાત્રામાં જોડાયેલા નેતાઓને ચોટદાર સવાલો કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, શૈલેષભાઈ પોતાનો જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે કાશ્મીર ગયા હતા. શૈલેષ પુત્રીએ 12માં ધોરણની પરીક્ષા આપી દીધા બાદ ફરવા માટે કાશ્મીર લઈ ગયા હતા. બૈસારન ઘાટીમાં ફરવા ગયા અને શૈલેષભાઈ આતંકી હુમલાનો ભોગ બન્યા હતા. પત્ની અને સંતાનોની નજર સામે શૈલેષભાઈને ગોળી મારવામાં આવી હતી. આજે તેમની અંતિમ યાત્રામાં કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, MLA કુમાર કાનાણી અને વિનુ મોરડિયા જોડાયે હતા. આ નેતાઓની સામે જ મૃતકની પત્ની શિતલબેને સરકારની કામગીરી પર અનેક સવાલો ઊઠાવ્યા હતા, જેના જવાબ નેતાઓ આપી શક્યા ન હતા અને શાંતવના જ આપી હતી.