અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરૂ થશે સેવા

April 25, 2025

અમદાવાદ : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે. અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રોની સેવા મળવાની છે, ત્યારે આ સુવિધાનો પ્રારંભ આગામી રવિવાર એટલે કે 27 એપ્રિલ, 2025 થી થશે.
અમદાવાદ ગાંધીનગરથી હજારો લોકો મુસાફરી કરતાં હોય છે, ત્યારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે. જેમાં હવે મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10 નવા સ્ટેશનો પરથી દોડાવાશે અને  છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી જશે. આમ થવાથી અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.