વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે: પહલગામ આતંકવાદી હુમલા બાદ PM મોદીનું પ્રથમ ભાષણ

April 24, 2025

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. બાદમાં બિહારમાં વિકાસ કામગીરી અંગે માહિતી આપી હતી. પહલગામ હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર ભાષણ છે. આ કાર્યક્રમમાં તેઓ બિહારવાસીઓને અનેક ભેટ આપી હતી. ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.

PM મોદીના ભાષણની મુખ્ય વાતો

1. આતંકવાદી અને ષડ્યંત્ર રચનારાઓને વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે

2. ભારત એક એક આતંકવાદીને શોધશે અને સજા આપશે

3. માનવતામાં વિશ્વાસ રાખતા તમામ લોકો અમારી પડખે ઊભા છે 

4. આવા સમયે અમારી સાથે ઉભેલા રાષ્ટ્રોનો આભાર

5. 140 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ હવે આતંકના આકાઓની કમર તોડીને રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે, 'હુમલામાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, આખો દેશ પીડિતોની સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. દુશ્મનોએ આ હુમલો માત્ર નિર્દોષ પર્યટકો પર નહીં, પરંતુ ભારતની આસ્થા પર કર્યો છે. દોષિત આતંકીઓ, ષડયંત્રકારીઓને તેમની કલ્પના કરતાં પણ આકરી સજા મળશે. હું આખા વિશ્વને કહેવા માગુ છુ કે, ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી શોધીને મારશે. અમે આ હુમલાના ન્યાય માટે દરેક પ્રયાસો કરીશું. આતંકીઓને આકરીથી આકરી સજા આપીશુું.'