'કાશ્મીર નહીં પણ સરકાર-સિક્યોરિટી સામે વાંધો...', આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની પત્નીની વ્યથા

April 24, 2025

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. આ આતંકી હુમલાનો ભોગ બનેલા સુરતના શૈલેષભાઈ કળથીયાની આજે (24મી અપ્રિલ) સવારે અંતિમ યાત્રા નીકળી. શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મૃતક શૈલેશભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, 'કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, સરકાર-સિક્યોરિટી શું કરતી હતી.'

આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ દેહ બુધવારે (23મી એપ્રિલ) સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા.

પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામી ચૂકેલા શૈલેષ કળથીયાની અંતિમયાત્રા નીકળે એ પહેલાં તેમની પત્નીએ વ્યથા ઠાલવતાં કહ્યું કે આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે મુસ્લિમોને કંઇ ન કર્યુ  અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઊભા કરીને બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો રહ્યો હતો આતંકી. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. એવી જગ્યા કે જ્યાં આટલા ટુરિસ્ટ હતા તેમ છતાં પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખી ફરવા ગયા હતા અને હવે એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. જો હવે આપણા દેશની જ આર્મી આવું બોલશે તો પછી જવાબદારી કોણ લેશે?