દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો

April 25, 2025

અમદાવાદ : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર આખો દેશ ગુસ્સે છે. શુક્રવારે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના પગથિયાં પરથી પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં આવ્યો. શુક્રવારની નમાજ પછી, સેંકડો મુસ્લિમોએ આતંકવાદ સામે લડવા માટે અવાજ ઊઠાવ્યો અને કહ્યું કે, 'પાકિસ્તાન ભારતીય મુસ્લિમોનો પણ દુશ્મન છે.' આ ઉપરાંત અમદાવાદમાં શુક્રવારની નમાઝમાં મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢી આતંકવાદ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓની હાજરીમાં જ મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટીઓ બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદને વખોડી કાઢ્યો હતો. કાશ્મીરના પહલગામમાં 26 પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં પણ ભારે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમોએ પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.


જામા મસ્જિદ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક, પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય, આતંકવાદ સામે એકજૂથ છે. પહેલગામ હુમલામાં શહીદ થયેલા 28 નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદના વ્યક્ત કરી અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી.