પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં

April 25, 2025

શંકાસ્પદ વ્યક્તિ ખચ્ચર ચાલક હોવાનો ખુલાસો, શંકાસ્પદ કૉલ પર પ્લાન અંગે વાત કરતો હતો

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના મામલે ગાંદરબલ જિલ્લાની પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ફોટો મામલે શંકાસ્પદ ખચ્ચરવાળાની ઓળખ કરી, તેને કસ્ટડીમાં લીધો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક મહિલા પર્યટકનો વીડિયો વાયરલ થયો હતો. તેણીએ વીડિયોમાં એક શંકાસ્પદ ફોટો દેખાડ્યો હતો અને તે વ્યક્તિએ તેણીને ધર્મ સંબંધીત સવાલો પૂછ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.


ગાંદરબલ પોલીસે ઝડપી કાર્યવાહી શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. તે વ્યક્તિનું નામ અયાજ અહમદ છે અને તે ગાંદરબલમાં ગોહિપોરા રૈજનનો રહેવાસી છે. એવું કહેવાય છે કે, અહમદ સોનમર્ગના થાજવાસ ગ્લેશિયર પર ખચ્ચર ચાલકનું કામ કરે છે.  પોલીસ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે અને આ મામલે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણીએ દાવો કર્યો છે કે, તે 20 એપ્રિલના રોજ બૈસરન ખીણમાં ફરવા ગઈ હતી. સ્કેચમાં દેખાઈ રહેલા શંકાસ્પદ વ્યક્તિએ તેણીને ખચ્ચર પર રાઈડ કરાવી હતી. તે દરમિયાન શંકાસ્પદે તેણીને અજીબોગરીબ પ્રશ્નો કર્યા, જેમાં ધર્મ, ધાર્મિક સ્થળોની યાત્રા અને મિત્રોની ધાર્મિક ઓળખ સંબંધીત પ્રશ્નો સામેલ હતા. મહિલા પ્રવાસીએ તેના ફોનમાંથી એક ફોટો અને વોટ્સએપના સ્ક્રીનશૉટ દેખાડ્યા હતા. મહિલા સાથે તેના મિત્રોએ પણ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી હતી. ફોટોમાં દેખાતો વ્યક્તિ મરૂન જેકેટ અને પાયજામા પહેરેલો દેખાઈ રહ્યો છે. મહિલા પ્રવાસીએ દાવો કર્યો હતો કે, ખચ્ચર ચાલકના ફોન પર એક કૉલ આવ્યો હતો અને પ્લાન-એ અને પ્લાન-બી જેવા કોડેડનો ઉલ્લેખ કરી વાતો કરતો હતો. તે કૉલ પર બોલ્યો કે, પ્લાન-એ બ્રેક ફેલ, પ્લાન-બી મેં 35 બંદૂકો મોકલી છે, ઘાસમાં છુપાવેલી છે.’ ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિને લાગ્યું કે, મહિલા ધ્યાનથી તેની વાતો સાંભળી રહી છે, પછી તેણે સ્થાનીક ભાષામાં વાત શરૂ કરી દીધી હતી.