પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત

April 25, 2025

બારી પાસેનો દરવાજો બંધ કરતાં હાથમાંથી બાળક છટકી ગયું 


પાલઘર : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને દરેકના રુવાંડા ઉભા થઈ જશે. પોલીસે શુક્રવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે, અહીંની એક રહેણાંક બિલ્ડિંગના 21મા માળે ઉભેલી એક મહિલાના હાથમાંથી 7 મહિનાનું બાળક છટકી જતા નીચે પડ્યું હતું. જેથી માસૂમ બાળકનું દર્દનાક મોત થયું હતું. 


એક અધિકારીએ જણાવ્યું કે, 'આ ઘટના બોલિંગ ટાઉનશીપમાં બની હતી. હકીકત એવી છે કે, માતા તેના બાળકને પોતાના હાથમાં પકડીને ઉભી હતી અને તે સમયે ખુલ્લી બારી પાસેનો  દરવાજો બંધ કરી રહી હતી, ત્યારે અચાનક બાળક તેના હાથમાંથી છટકી ગયું હતું.' અધિકારીએ જણાવ્યું કે, ' એ પછી તાત્કાલિક બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું.
હાલમાં આ અંગે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાની ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે જ્યારે બાળક હાથમાંથી છટકી ગયું ત્યારે માતા ચીસો પાડતી જમીન પર પડી ગઈ અને એ સમયે મોટો અવાજ પણ થયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.