આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહુલ ગાંધી

April 25, 2025

રાહુલ ગાંધી પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા

પહલગામ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.

મેં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એક પીડિત સાથે મુલાકાત કરી. મેં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને એલજી મનોજ સિન્હા સાથે પણ મુલાકાત કરી. મારો પ્રેમ અને સ્નેહ હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. ગઈકાલે અમારી અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અમે સરકારને તમામ પગલા ભરવા માટે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું અહીં એ જાણવા આવ્યો છું કે, અહીં પર શું થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ હુમલાની નિંદા કરી છે અને આખા દેશે તેમને સમર્થન આપ્યું છે. હું તમામને કહેવા માંગું છું કે, આતંકવાદીઓ દ્વારા થઈ રહેલા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આખો દેશ એકજૂટ થઈને ઉભો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તમામ ભારતીયો એક થયા છે.’