હરિયાણામાં 4 કિલો ઘી, 300 ગ્રામ માવા બરફી ખાઈને ખેડૂતે બનાવ્યો અનોખો રેકોર્ડ

November 07, 2023

હરિયાંણા : હરિયાણા પોતાના દૂધ અને દહીં માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. સમાલખાના ચુલકણા ગામના રહેવાસી 53 વર્ષના ખેડૂત જગમાલ પંડિતે માત્ર 46 મિનિટમાં લગભગ 4 કિલો દેશી ઘી પીવાનો અને સાથે સાથે 300 ગ્રામ માવા બરફી ખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. પાણીપતના ચુલકના ગામના રહેવાસી જગમાલ પંડિતે ગામલોકોની હાજરીમાં 3 કિલો 800 ગ્રામ ઘી પીધું  હતું.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરત સિંહ છાઉકરે ઘી પીનારા જગમાલને 11,000 રૂપિયા આપીને સન્માનિત કર્યા. ચુલકણા ગામના લોકોએ જાહેરાત કરી કે ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ જગમાલનો ઘી પીવાનો રેકોર્ડ તોડશે તો તેને 51 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.આ પહેલા હરિયાણાના કરનાલ જિલ્લાના એક શખ્સના નામે 3 કિલો 600 ગ્રામ ઘી પીવાનો રેકોર્ડ નોંધાયેલો છે. જગમાલનું કહેવું છે કે યુટ્યુબ પર એક વિડીયો જોઈને તેમણે આ રેકોર્ડ બનાવવાનો નિર્ધાર કર્યો અને વિચારી લીધું કે આ રેકોર્ડ બનાવવો છે.

ક્લાસિકલ હોમિયોપેથ ફિઝિશિયન ડૉ.જયશ્રી મલિકે જણાવ્યું હતું કે વધુ પડતું ઘી પીવું શરીર માટે જોખમી બની શકે છે. કોલેસ્ટ્રોલ અચાનક વધી શકે છે અને શરીર ખોટી રીતે પ્રતિક્રિયા આપી શકે છે. જેના કારણે હાર્ટ સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક આવી શકે છે. આ સિવાય પાચન પ્રક્રિયા નબળી પડી શકે છે. યકૃત અને કિડની પર તેની ખતરનાક અસરો થઈ શકે છે. ફેટી લીવર થવાનું જોખમ પણ છે.