બિહારમાં નીતિશ સરકારનો ફ્લોર ટેસ્ટ,પટનામાં મોડી રાત સુધી રાજકીય ઉથલપાથલ

February 12, 2024

બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની NDA સરકારને આજે એટલે કે સોમવારે ગૃહમાં બહુમતી મેળવવાની છે. નવી રચાયેલી NDA સરકાર 12 ફેબ્રુઆરીએ ગૃહમાં વિશ્વાસ મત માંગશે. જેને લઈને સમગ્ર બિહારના રાજકારણમાં ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા, પટનામાં મોડી રાત સુધી રાજકીય ઉથલપાથલ ચાલુ રહી હતી,

જ્યારે બીજી તરફ બંને કેમ્પ, ગ્રાન્ડ એલાયન્સ અને એનડીએ, પોતાના માટે બહુમતીનો દાવો કરતા રહ્યા હતા. હાલમાં 243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDAના ધારાસભ્યોની સંખ્યા 128 છે, જ્યારે મહાગઠબંધનમાં કોંગ્રેસ, RJD સહિત ડાબેરી પક્ષો પાસે કુલ 114 ધારાસભ્યો છે. વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 122નો આંકડો જરૂરી છે.

ફ્લોર ટેસ્ટ પહેલા પટનામાં રવિવારે મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો. કેટલીક હોટલોમાં ભાજપના ધારાસભ્યો જોવા મળ્યા હતા અને કેટલીક જગ્યાએ જેડીયુ અને આરજેડીના ધારાસભ્યોને રોકાવવામાં આવ્યા હતા. દરમિયાન, પોલીસ જ્યારે રાત્રે લગભગ 10:00 વાગ્યે પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવના નિવાસસ્થાને પહોંચી, ત્યારે વાતાવરણ અચાનક ગરમ થઈ ગયું.