પહેલીવાર CRPF, BSF, CISF પરીક્ષા 13 પ્રાદેશિક ભાષામાં લેવાશે

February 12, 2024

સીઆરપીએફ, બીએસએફ અને સીઆઇએસએફ જેવા અર્ધલશ્કરી દળોમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સૌપ્રથમ વખત ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાશે, તેમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રવિવારે જણાવાયું હતું. આ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન લેવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રાલયે આ વર્ષે પહેલી જાન્યુઆરીથી હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડયૂટી) પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા અમિત શાહની પહેલ પર આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

કોન્સ્ટેબલ (જનરલ ડયૂટી) પરીક્ષાના પ્રશ્નપત્રો હવે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, મરાઠી, આસામી, બંગાળી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણીમાં પણ તૈયાર કરાશે. કોન્સ્ટેબલ (GD) પરીક્ષા સ્ટાફ્ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવાતી મુખ્ય પરીક્ષાઓમાંની એક છે, જે દેશભરના લાખો યુવાનોને આકર્ષે છે.