આતંકવાદીઓને વીણી વીણીને મારવા માટે સેનાએ મેદાનમાં ઉતાર્યું હેરોન માર્ક-2

September 17, 2023

આજે સતત છઠ્ઠા દિવસે અનંતનાગના કોકરનાગમાં સેના દ્વારા એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન શરુ છે. અહીં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ છુપાયા હોવાની સંભાવના છે. આતંકીઓના નાશ માટે ભારતીય સેના દ્વારા ચિતા તરીકે ઓળખાતું હેરોન માર્ક-2 ડ્રોન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જંગલોમાં સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. સેનાનું આ ડ્રોન ઉપરથી બોમ્બબારી કરવામાં સક્ષમ છે. 
સેના દ્વારા આંતકીઓના સફાયા માટે જમીનથી આકાશ સુધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોકરનાગનો આ જંગલ વિસ્તાર ખૂબ જ ઊંચાઈ પર છે. અહીં ચારે બાજુ ટેકરીઓ, ગુફાઓ અને ઝાડીઓ છે. જેનો ફાયદો ઉઠાવીને આતંકીઓ હજુ પણ ફરાર થઈ રહ્યા છે. જો કે સેનાએ સમગ્ર જંગલને ઘેરી લીધું છે. તે જ સમયે, ડ્રોન દ્વારા સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
સેનાએ હેરોન માર્ક-2ને આતંકીઓ વિરુદ્ધ ઉતાર્યા છે. આ ડ્રોન વડે એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આ ડ્રોન સર્વેલન્સની સાથે એટેક પણ કરે છે. એવું કહી શકાય કે આ ડ્રોન આતંકવાદીઓને શોધીને મારી નાખવામાં સક્ષમ છે. તેની ખાસ વાત એ છે કે વરસાદ દરમિયાન પણ ડ્રોન કામ કરવા સક્ષમ છે. તેને 15 કિલોમીટરના અંતરેથી પણ ઓપરેટ કરી શકાય છે. આ ડ્રોન એક સાથે પાંચ બાજુથી ફાયરિંગ કરી શકે છે. આ ડ્રોન કોઈપણ હવામાન અને કોઈપણ ભૂપ્રદેશમાં તેના લક્ષ્યને હિટ કરવા અને મિશન પૂર્ણ કરવા માટે કામ કરી શકે છે.