હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો, 2ના મોત, ઘણા વિસ્તારોમાં અંધારપટ, પાકને મોટાપાયે નુકસાન

May 25, 2023

શિમલા હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે બુધવારે મોડી રાત્રે અને ગુરુવારની વહેલી સવારની વચ્ચે વાવાઝોડાને કારણે ઉનામાં વૃક્ષો અને મણિકર્ણામાં પત્થરો પડવાને કારણે 2 લોકોના મોત થયા છે. બિલાસપુરના નંદ નગરાંવમાં નિર્માણાધીન પુલની શટરીંગ તૂટી પડી છે. જ્યારે રાજ્યભરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. સિરમૌરમાં કરા પડતાં શિમલા મરચું, ટામેટાં, આદુ, પ્લમ અને જરદાળુને મોટાપાયે નુકસાન થયું છે. કાંગડા જિલ્લામાં વાવાઝોડાના કારણે 30 ટકા કેરી અને લીચીના ફળોને નુકસાન થયું છે.

રોહતાંગ, શિંકુલા અને બરાલાચા માર્ગ ઉપર તેમજ સીબી રેન્જની ઊંચા પહાળો પર સામાન્ય હિમવર્ષા થઈ છે. ચંબાનાં પાંગી-ભરમૌરના શિખરો પર પણ હિમવર્ષા થઈ છે. શુક્રવારે પણ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ અને કરા માટે યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં 29મી મે સુધી હવામાન ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 

ઘણા ઘરોની છત ઉડી ગઈ

બુધવારે મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. હમીરપુરમાં 132 કેવી સબ-સ્ટેશનમાં વિસ્ફોટને કારણે એક ડઝન પંચાયતોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બિલાસપુરમાં તોફાનના કારણે અનેક ઘરોની છત ઉડી ગઈ છે. કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણના ચોજ ગામમાં ગુરુવારે સવારે 4 વાગ્યે વરસાદના કારણે ટેન્ટ પર પથ્થર પડતાં એક પરપ્રાંતિય કામદારનું મૃત્યુ નિપજ્યું છે. 

વૃક્ષ પડતા બાઈક સવારનું મોત

ઉના જિલ્લાના હરોલી સબ-ડિવિઝનના ટાહલીવાલમાં પેટ્રોપ પંપ પાસે વાવાઝોડાના કારણે પડી ગયેલા વૃક્ષ નીચે બાઈક સવારો આવી ગયા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને પીજીઆઈ ચંડીગઢમાં રિફર કરવામાં આવ્યો છે.  વાવાઝોડા, વરસાદ અને હિમવર્ષાના કારણે કેરી, જરદાળુ, આદુ અને પ્લમના ફળના છોડને પણ નુકસાન થયું છે. સિરમાયરના હરિપુરધાર, નૌહરધાર, ગટ્ટાધાર અને પાનોગના 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.