ઈમરાન ખાનને ઝટકો: કોર્ટનો ધરપકડ વોરંટ રદ કરવાનો ઈનકાર

March 06, 2023

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદની જિલ્લા અને સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે સોમવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ચીફ ઈમરાનની તોશાખાના કેસમાં તેમની સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર ધરપકડ વોરંટને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ ઝફર ઈકબાલે આ મામલાની સુનાવણી કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ઈમરાન ખાનના વકીલ અલી બુખારી, કૈસર ઈમામ અને ગોહર અલી ખાને દલીલો કરી હતી.

બુખારીએ દલીલ કરી હતી કે, તેમના અસીલે હંમેશા કોર્ટના આદેશનું પાલન કર્યું છે. ઈમામે દલીલ કરી હતી કે, જો ઈમરાન ખાન હાજર થવા તૈયાર હોય તો પોલીસ તેની ધરપકડ કરી શકે નહીં. આના પર ન્યાયાધીશે કહ્યું કે, પીટીઆઈ ચીફ વોરંટ રદ કરવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. જોકે, ઈમામે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે સેશન્સ કોર્ટ વોરંટને રદ કરે. બુખારીએ જણાવ્યું હતું કે, પીટીઆઈ ચીફ લાહોરમાં તેમના જમાન પાર્ક આવાસ પર હતા. તેઓ જાણવા માંગે છે કે કોર્ટમાં કેવી રીતે હાજર રહેવું.

ઈમામે કહ્યું કે, પીટીઆઈ ચીફ વિરુદ્ધ ઈલેક્શન એક્ટ 2017 હેઠળ આતંરિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે દલીલ કરી હતી કે, સામાન્ય રીતે આતંરિક ફરિયાદ પર ધરપકડ વોરંટ જારી કરવામાં આવતું નથી. આવી સ્થિતિમાં વોરંટને સસ્પેન્ડ કરવું જોઈએ. આના પર, ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે પીટીઆઈના વડાના વકીલે તેમને જાણ કરી હતી કે તેમના અસીલ કોર્ટમાં હાજર રહેશે નહીં. આ પછી જજે અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 

28 ફેબ્રુઆરીના રોજ એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે તોશાખાના કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાનની કોર્ટમાં સતત ગેરહાજર રહેવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. રવિવારે પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ કોર્ટના આદેશ અનુસાર ધરપકડ વોરંટની પ્રક્રિયા કરવા માટે જમાન પાર્ક પહોંચી હતી. જોકે, ઈમરાનની ધરપકડ થઈ શકી નથી. પીટીઆઈના ચીફે લાહોર હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે.