ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિકાને આંચકો લાગે છે

March 21, 2023

બૈજિંગ, તાઇપે: ચીન અને તાઇવાન વચ્ચે અત્યારે તો ભારે તંગદિલી પ્રસરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં વધારો જ થતો જાય છે એક તરફ સામ્યવાદી ચીન તાઇવાનને પોતાનો એક પ્રાંત જ જણાવે છે જ્યારે અમેરિકા તાઇવાનના સાર્વભૌમત્વ માટે કટિબદ્ધ છે તેવી પરિસ્થિતિમાં તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ મા યિંગ જીઉએ આ મહિને જ ચીનની મુલાકાતે જવાનો નિર્ણય લેતા અમેરિકાનું ટેન્શન વધી ગયું છે. તે સર્વવિદિત છે કે, માઓત્સે ડોંગના નેતૃત્વ નીચે સામ્યવાદીઓએ બૈજિંગ ઉપર ૧ ઓક્ટો. ૧૯૪૯ના દિને કબ્જો જમાવી દીધો તે વખતે લોકશાહીવાદી નેતાઓ ડો. સોનયામી સેન અને ચ્યાંગ કાઈશેક તથા તેમના કેટલાક સાથીઓ ચીનની તળભૂમિ પરના બંદર હુચાઉ ઉપરથી તાઇવાન પહોંચી ગયા હતા ત્યારે તાઇવાનની સામુદ્રધૂનીમાં અમેરિકી યુદ્ધ જહાજો હોવાથી માઓત્સે તુંગે તાઇવાન કબ્જે કરવાનો વિચાર છોડી ૧૯૫૦માં તિબેટ ઉપર વર્ચસ્વ સ્થાપી દીધું હતું. અહીં રિપબ્લિક ઓફ ચાયનાની સરકાર તાઇવાનમાં શિફ્ટ થઈ ગઈ હતી ત્યારથી તાઇવાન, સ્વતંત્ર, સાર્વભૌમ રાષ્ટ્ર બની રહ્યું છે. હવે તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ શી-જિનપિંગને કે સામ્યવાદી ચીનના ટોચના નેતાઓને મળશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી તેઓ બૈજિંગ જશે કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી પરંતુ જો તેમ થાય તો સમગ્ર સમીકરણ બદલાઈ જવા સંભવ છે તેમ પણ તજજ્ઞાો માને છે. આ પૂર્વે અમેરિકાના હાઉસ ઓફ રીપ્રિઝેન્ટેટિવના અધ્યક્ષ નેન્સી પેવોલની તાઇવાન યાત્રા પછી ચીન- અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ પ્રવર્તી રહી છે. હવે જોવાનું તે રહે છે કે, તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ મા. ચિંગ જીઉની ચીનની મુલાકાતથી પરિસ્થિતિમાં શો ફેર પડે છે.