ઇસરો ચીફ એસ. સોમનાથનને કેન્સર : ચંદ્રયાન 3ના સમયેથી જ તબિયત લથડવા લાગી હતી

March 05, 2024

નવી દિલ્હી : ઈસરોનાં ચીફ એસ. સોમનાથને કેન્સર થયું છે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જ પોતાને થયેલા આ ગંભીર રોગ વિષે જણાવ્યું હતું. તેઓને વધુમાં કહ્યું કે આદિત્ય એલ-૧ મિશન લૉન્ચ કરાયું તે દિવસે જ તેઓને કેન્સર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ મિશન લૉન્ચ થયા પછી તેઓ તબીયત દેખાડવા તબીબ પાસે ગયા ત્યારે આ ઘટસ્ફોટ થતાં તબીબ પણ ગંભીર બની ગયા હતા. તેમનાં કુટુમ્બીજનોને જાણ થતાં તે સર્વે શોકમગ્ન બન્યાં. પછીથી સમાચાર ફેલાતાં વિજ્ઞાન જગતમાં પણ ગ્લાની છવાઈ રહી છે.તેઓએ વધુમાં કહ્યું હતું કે, ઐતિહાસિક ચંદ્રયાન-૩ના મિશન દરમિયાન જ તેઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. જો કે હવે તેઓ પૂર્ણત: સ્વસ્થ છે. એક સામાયિકને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યું હતું કે સ્કેન દરમિયાન તેઓને આ રોગ થયો હોવાની માહિતી મળી આવી. તેઓને સ્વાસ્થ્ય અંગે તકલીફ તો લાગતી જ હતી. પરંતુ ત્યાં સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું ન હતું કે શી બીમારી છે. જે દિવસે આદિત્ય એલ-૧ મિશન લોન્ચ થયું તે દિવસે જ તેમને આ રોગ થયો હોવાનું તબીબે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે આ રોગ થયો હોવાથી માત્ર તેમને જ નહીં પરંતુ સમગ્ર કુટ્મ્બને આંચકો લાગ્યો હતો. વિજ્ઞાન જગતને પણ જાણ થતાં તેઓ શોકગ્રસ્ત બની રહ્યા છે. ગતવર્ષે ૨૩મી ઓગસ્ટે ચંદ્રયાન-૩ ચંદ્રનાં દક્ષિણ ધુ્રવ ઉપર ઉતારી ઇસરોએ ઇતિહાસ રચી દીધો છે. ગત વર્ષની ૨ સપ્ટેમ્બરે આદિત્ય એલ-૧ મિશન લૉન્ચ થયું હતું. ત્યારે સોમનાથને પેટમાં કશી તકલીફ જણાઈ હતી. પછી તેઓ બેંગલુરૂથી ચેન્નાઈ જવા રવાના થયા. જ્યાં થોડા દિવસોમાં જ સ્પષ્ટ થઇ ગયું કે તેઓને ગંભીર બીમારી છે. તેઓએ વધુમાં કહ્યું આ ખબરથી સમગ્ર કુટુમ્બને 'ઘા' લાગ્યો છે. જો કે હવે તો તેનો પણ ઇલાજ થઇ શકે છે. ફરી પાછો હું સાજો થઇ મારાં કામ ઉપર લાગી જઈશ. આ મહાન વિજ્ઞાનીની ભયંકર રોગ સામે પણ ટક્કર લેવાની અસામાન્ય હિંમત પ્રશંસનીય બની રહી છે.