દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનનો કોચ ભડભડ સળગી ઊઠ્યો, મોટી દુર્ઘટના ટળી

September 15, 2023

ત્રણ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ

દાહોદઃ જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. ટ્રેનની પાછળ જોડેલા એન્જિનની પાસેના ફર્સ્ટ ક્લાસ કોચમાં ધુમાડો જણાતાં મુસાફરો ઊતરી ગયા હતા. ત્યાર બાદ કોચ ભડ ભડ સળગવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ દાહોદની ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. આ ઘટનામાં મોટી જાનહાની ટળી હોવાથી ચિંતાજનક કોઈ બાબત સામે આવી નથી.મોટી દુર્ઘટના ટળી જતાં હાશકારો થયો હતો. 
દાહોદ-આણંદ દાહોદ મેમુ ટ્રેન જેકોટ રેલવે સ્ટેશને હતી એ સમયે ટ્રેનોના બીજે છેડે લગાવેલા એન્જિનમાં આગ લાગતા જ ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ આગની જ્વાળાઓ પહોંચી જતાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો નીકળતા ટ્રેનને રોકી દેવાઈ હતી અને મુસાફરો પણ તાત્કાલિક નીચે ઊતરી ગયા હતા.દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરાતાં કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.