મોઢવાડિયા- અંબરીશ ડેર અને મૂળુ કંડોરિયાના વિધિવત કેસરિયા, પાટીલે ખેસ પહેરાવ્યા

March 05, 2024

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. સોમવારે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. મંગળવારે કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મુળુ કંડોરીયા પણ ભાજપમાં જોડાયા છે. સોમવારે અર્જુન મોઢવાડિયાએ 'X' પરથી કોંગ્રેસનું પ્રતીક હટાવી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.' કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અંબરીશ ડેરે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને કહ્યું હતું કે, 'હું હોદ્દા માટે કોઈ પક્ષમાં નથી જોડાઈ રહ્યો. ખાસ કરીને મને કોંગ્રેસના રામ મંદિર અંગેના વલણથી દુઃખ છે. મેં ભાજપમાં જોડાવા માટે કોઈ ડીલ નથી કરી.’