વીજ કર્મચારીઓની હડતાળથી યુપીમાં હાહાકાર,1300થી વધુ કામદારોની કરાઈ હકાલપટ્ટી

March 19, 2023

વિદ્યુત કર્મચારી સંયુક્ત સંઘર્ષ સમિતિ અને ઉર્જા મંત્રી એકે શર્મા વચ્ચે શનિવારે મોડી રાત્રે મંત્રણા અનિર્ણિત રહી. ઉર્જા મંત્રીએ સંઘર્ષ સમિતિના હોદ્દેદારોની માંગણી સ્વીકારી ન હતી. સાંજે 6 વાગ્યાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કર્મચારીઓ ઉર્જા મંત્રીના નિવાસસ્થાને આવ્યા હતા. ઉર્જા મંત્રીના નિવાસસ્થાને લગભગ 3 કલાક સુધી વાતચીત ચાલી હતી. પરંતુ કોઈ નિર્ણય પર પડ્યો નહીં. વિદ્યુત સંઘર્ષ સમિતિના પદાધિકારીઓ અધ્યક્ષ એમ દેવરાજને હટાવવા અને અન્ય માંગણીઓ પર હજુ પણ અડગ છે.

ઉત્તર પ્રદેશમાં વીજળી કર્મચારીઓની હડતાળની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર ભલે યુપીના લોકોને રાહત આપવાના દાવા કરી રહી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકો ચિંતિત છે. હવે યોગી સરકારે પણ હડતાળને લઈને કડક વલણ અપનાવ્યું છે. ઉર્જા મંત્રી એકે શર્મા સંપૂર્ણપણે એક્શનના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઉર્જા મંત્રી એકે શર્મા દ્વારા આપવામાં આવેલ સાંજે 6 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ પણ સમાપ્ત થઈ ગયું છે. દેખીતી રીતે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 FIR અને 6 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.