સરકારી નોકરી માટે દીકરીની હત્યા કરી

January 24, 2023

બિકાનેર : રાજસ્થાનના બિકાનેરમાં પાંચ મહિનાની બાળકીને કેનાલમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. માસૂમને કોઈએ નહીં, પણ તેનાં માતા-પિતાએ ફેંકી દીધી હતી. વધુ આઘાતજનક બાબત એ છે કે આ હત્યા તેના પિતાએ પોતાની સરકારી નોકરી બચાવવા માટે કરી હતી. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરીમાં મુશ્કેલી ન પડે એ માટે પિતા ઝંવરલાલે પુત્રી અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરી હતી. પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી છે.

ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. પોલીસ અધીક્ષક યોગેશ યાદવે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઝંવરલાલે તેની પત્નીને પણ સામેલ કરી હતી. તે બે દિવસ પહેલાં છત્તરગઢ સ્થિત તેના સાળાના ઘરે ગયો હતો. રવિવારે સાંજે ચાર સીએચડી સ્થિત સાળાના ઘરેથી દિયાતરા જતા સમયે રસ્તામાં બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ અહીંથી દિયાતરા પોતાના ઘરે જવા રવાના થયાં હતાં.

ઝંવરલાલ તેની પત્ની અને બે બાળક સાથે બાઇક પર હતો. રવિવારે સાંજે 5 વાગ્યે દંપતીએ 5 મહિનાની બાળકીને ઈન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટ (IGNP)માં ફેંકી દીધી હતી. માસૂમને ફેંકી દેવામાં આવતાં જોઈ કેટલાક લોકોએ બૂમાબૂમ કરતાં બાઇક સવાર માતા-પિતા ભાગી ગયાં હતાં. લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.