લોકસભા ચૂંટણી પહેલા ઓવૈસીનું મોટું નિવેદન, NDA અને I.N.D.I.A બાદ હવે બનશે વધુ એક ગઠબંધન!

September 17, 2023

અસદુદ્દીન ઓવૈસીને INDIA ગઠબંધનમાં સામેલ થવા માટે આમંત્રિત નહોતા કરાયા
હજુ એક રાજકીય શૂન્યતા છે જે કેસીઆરના નેતૃત્વ પર ભરાઈ જશે : ઓવૈસી
આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે. NDA અને I.N.D.I.A ગઠબંધન બાદ હવે ત્રીજો મોરચો પણ બનતો દેખાઈ રહ્યો છે. તેના સંકેત AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આપ્યા છે.  I.N.D.I.A ગઠબંધનમાં સામેલ થવા માટે આમંત્રિત ન કરાતા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે, 'મને આમંત્રિત ન કરવાની કોઈ જરૂર નથી.'
તેમણે કહ્યું કે, બસપા પ્રમુખ માયાવતી, તેલંગાણાના CM કે.ચંદ્રશેખર રાવ અને પૂર્વોત્તર અને મહારાષ્ટ્રની અનેક પાર્ટીઓ પણ આ ગઠબંધનમાં સામેલ નથી. અમે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને આગળ વધવા અને ત્રીજો મોરચો બનાવવા અને તેમાં કેટલાક પક્ષોને સામેલ કરવા માટે કહ્યું છે. હજુ એક રાજકીય શૂન્યતા છે જે કેસીઆરના નેતૃત્વ પર ભરાઈ જશે. ઈન્ડિયા ગઠબંધન આ શૂન્યને ભરવામાં સક્ષમ નથી.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂની ધરપકડ પર AIMIM સાંસદ અસદુદ્દીન ઔવેસીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી હતા, તે આટલા હેરાન કેમ થઈ રહ્યા છે? તેમણે જગન મોહન રેડ્ડીને જેલમાં નાખ્યા હતા, ત્યારે તેઓ મુખ્યમંત્રી ન હતા પરંતુ તમે તો મુખ્યમંત્રી હતા તો તમારે જવાબ આપવો જોઈએ. તમે તેનો સામનો કરો અને જવાબ આપો.
જુલાઈમાં બેંગલુરુમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની બેઠકમાં 26 પક્ષો સામેલ થયા હતો. આ ગઠબંધનને 'I.N.D.I.A' નામ આપવામાં આવ્યું હતું. 'INDIA' ગઠબંધનમાં કોંગ્રેસ, TMC, શિવસેના (ઉદ્ધવ જૂથ), NCP (શરદ પવાર જૂથ), CPI, CPIM, JDU, DMK, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, RJD, સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, PDP, RLD, સીપીઆઈ (એમએલ) સામેલ છે.