પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 46ના મોત, 150 ઇજાગ્રસ્ત

January 30, 2023

પેશાવર- પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં એક ખચાખચ ભરેલી મસ્જિદમાં સોમવારે બપોરે નમાજ દરમિયાન એક શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 46 લોકો માર્યા ગયા અને 150 અન્ય ઘાયલ થયા. સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 1.40 વાગ્યે, પોલીસ લાઇન્સ વિસ્તારની નજીક નમાજી ઝુહર (બપોર)ની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આગલી હરોળમાં બેઠેલા એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કરી પોતાને ઉડાવી દીધો હતો. તેમના કહેવા પ્રમાણે, નમાજીઓમાં પોલીસ, સેના અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો પણ હતા.


લેડી રીડિંગ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે પેશાવર પોલીસે 38 મૃતકોની યાદી જાહેર કરી છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. મૃતક તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર ઉમર ખાલિદના ભાઈએ દાવો કર્યો હતો કે આત્મઘાતી હુમલો ગત ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તેના ભાઈના મૃત્યુનો બદલો હતો. પ્રતિબંધિત સંગઠને ભૂતકાળમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને અનેક આત્મઘાતી હુમલા કર્યા છે. તેને પાકિસ્તાન તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે.