'પોલર પ્રીત'એ ઈતિહાસ સર્જ્યો, -30 ડિગ્રીમાં 70 દિવસમાં 1485 કિલોમીટરનું અંતર કાપ્યું

January 30, 2023

એન્ટાર્કટિકામાં સૌથી લાંબા, એકલા અને મદદ વિનાના અભિયાનનો રેકોર્ડ બ્રેક કરી દીધો


નવી દિલ્હી- ભારતીય મૂળની શીખ સૈનિક અધિકારી કેપ્ટન પ્રીત ચાંડીએ કોઈ પણ પ્રકારની મદદ વિના એકલા જ સૌથી લાંબા ધ્રૂવીય સ્કીઈંગ અભિયાનનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો છે. બ્રિટિશ સૈન્યના હવાલાથી એક અહેવાલ અનુસાર કેપ્ટન ચાંડીએ 70 દિવસો અને 16 કલાકમાં  1,485 કિલોમીટરનું અંતર કાપ્યું અને એન્ટાર્કટિકામાં સૌથી લાંબા, એકલા અને મદદ વિનાના અભિયાનનો રેકોર્ડ બ્રેક કરી દીધો. 


તેમણે અપાર થાક અને શૂન્યથી 30 ડિગ્રી સુધીના તાપમાનનો પડકાર ઝિલ્યો અને દરરોજ 13થી 15 કલાક સ્કીઈંગ કર્યું હતું. આ દરમિયાન તેમને અનેક અડચણો આવી હતી પણ તે હાર ન માની. આ મામલે ઈન્સ્ટાગ્રામ પર કેપ્ટન ચાંડીએ પોતાની આ સિદ્ધી વિશે લખ્યું છે કે પોલર પ્રીતે ઈતિહાસમાં કોઈ પણ મહિલા દ્વારા સૌથી લાંબા, એકલા અને મદદ વગરના ધ્રૂવીય અભિયાનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. 
અહેવાલ અનુસાર કેપ્ટન ચાંડી આ છેડેથી પેલા છેડે સુધી જવાનું લક્ષ્ય પૂરું કરવાથી લગભગ 160 કિલોમીટર ચૂકી ગઇ હતી જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી. 33 વર્ષીય ચંડીએ કહ્યું કે માનસિક રીતે એ જાણવું મુશ્કેલ હતું કે મારી પાસે ક્રોસિંગ બનાવવા માટે પર્યાપ્ત સમય નહોતો પણ અભિયાન મારી મર્યાદાઓને આગળ વધારવા અને બીજાઓને એવું કરવા માટે પ્રેરિત કરવા માટે હતું એટલે જ તો હું તેને જારી રાખવા માગતી હતી.