દરવાજો તોડીને ઈમરાન ખાનના ઘરમાં ઘૂસી પોલીસ, PTI કાર્યકરો પર લાઠીચાર્જ

March 18, 2023

ઈસ્લામાબાદ- તોશાખાના કેસમાં આરોપી ઈમરાન ખાન પર સંકટના વાદળો હજુ પણ છવાયેલા છે. આજે તેઓ ઈસ્લામાબાદ કોર્ટમાં પેશ થવા જઈ રહ્યા હતા પરંતુ તેમના કાફલાને કોર્ટ જતા પહેલા ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા ઉપર જ રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઈસ્લામાબાદ જવા માટે નીકળ્યા ત્યારે તેમના લાહોર સ્થિત ઘર પર પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકરો વચ્ચે ઝડપ પણ થઈ હતી. 

ઈસ્લામાબાદ જતા ઈમરાન ખાને એક વીડિયો પણ જારી કર્યો. આ વીડિયોમાં ઈમરાન ખાન કહી રહ્યા છે કે મારા ઈસ્લામાબાદ પહોંચતા જ તેઓ મારી ધરપકડ કરી લેશે. ઈમરાન ખાને કહ્યું કે મારી ધરપકડ લંડન પ્લાનનો એક ભાગ છે. મારી ધરપકડ નવાઝ શરીફના કહેવા પર થઈ રહી છે. 

તેમણે કહ્યું કે હું અગાઉ પણ ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થવા માટે જઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે પંજાબ પોલીસે જમાન પાર્કમાં મારા ઘર પર હુમલો કર્યો. જ્યાં બુશરા બેગમ એકલા છે. આ કયા કાયદા હેઠળ કરી રહ્યા છે? આ લંડન યોજનાનો એક ભાગ છે. જ્યાં ભાગેડુ નવાઝ શરીફને એક નિયુક્તિ પર સહમત થવાના બદલામાં સત્તામાં લાવવાની પ્રતિબદ્ધતા જતાવવામાં આવી હતી. ઈમરાન ખાનના જમાન પાર્કના ઘરની છતથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં પોલીસે ત્યાં હાજર PTI કાર્યકરોની પીટાઈ કરી છે. 
PTI કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે. અત્રે જણાવવાનું કે પોલીસની આ કાર્યવાહીમાં ઈમરાન ખાનના ઘરનો દરવાજો તોડવા માટે બુલડોઝરનો પણ ઉપયોગ કરાયો હતો.