પ્રયાગરાજ જળમગ્ન, 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ, શાળા કોલેજો બંધ, તંત્ર એલર્ટ

August 04, 2025

દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં તો સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ યુપીની તો, યુપીના 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાંથી 16 જિલ્લા તો એવા છે જ્યાં ગંગા અને યમુના નદીનો કહેર વરસી રહ્યો છે. સૌથી વધારે અસર પ્રયાગરાજમાં જોવા મળી રહી છે. સીએમ યોગી એ પૂરને લઇને રાહત અને બચાવ કાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે.

પ્રયાગરાજનો રસૂલાબાદ ઘાટ આખો ડૂબી ગયો છે. ઘાટ પર બનેલા મંદિરો જળમગ્ન થઇ ગયા છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં સેંકડો મકાનો ગંગાના પૂરમાં ડૂબી ગયા છે. ખાવા પીવાની વસ્તુઓ હોય કે ઘરનો સામાન. બધુ જ તણાઇ ગયુ છે. કર્ઝન પુલ અને શંકર ઘાટની આસપાસના મકાનોમાં પાણી ઘુસી ગયા છે. લોકો મકાનો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.

બઘાડા, દારાગંજ, તેલિયારગંજ, સલોરી જેવા વિસ્તારો છે જે પૂરમાં સૌથી પહેલા ડૂબે છે. પૂર પીડિતોની મદદ માટે એનડીઆએરએફની ટીમ ઘરે ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પૂર પીડિચોને ખાવા પીવાની વસ્તુઓ અને જરૂરી દવાઓ પહોંચાડવામાં આવી રહી છે. રવિવારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને કારણે 9 લોકોના મોત થયા હતા.

સોમવારે સવારે સીતાપુર જિલ્લામાં દિવાલ પડતા 2 કિશોરોના મોત થયા. આ સંખ્યાને જોડીએ તો 24 કલાકમાં યુપીમાં વરસાદથી 11ના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. ભારે વરસાદને કારણે લખનૌ સહિત યુપીની અનેક શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.