ફિફા વર્લ્ડ કપથી કોરોના જેવી નવી મહામારી ફેલાવાનું જોખમ, WHOની આગાહીથી ફફડાટ

November 29, 2022

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાન કેમલ ફ્લૂ ફેલાવાનો ખતરો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈજ્ઞાનિકોએ આ ચેતવણી આપી છે કે, ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટ જોવા આવેલા 12 લાખ દર્શકો આ વાયરસથી પ્રભાવિત થઈ શકે છે. આ સાથે 29 લાખ સ્થાનિક લોકો અને ખેલાડીઓને સંક્રમિત થવાની આશંકા છે.

શું છે કેમલ ફ્લૂ?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેમલ ફ્લૂનું વૈજ્ઞાનિક નામ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) છે. તે MERS-CoV વાયરસને કારણે થાય છે જે કોરોના વાયરસ પરિવારનો એક સભ્ય છે. તેનાથી ચેપ લાગતા 35% લોકો એટલે કે લગભગ 3 ભાગના દર્દીઓ મૃત્યુ પામે છે. આ રોગનો પ્રથમ પ્રકોપ વર્ષ 2012માં સાઉદી અરેબિયામાં થયો હતો. MERS એક ઝૂનોટિક રોગ છે. આનો અર્થ એ છે કે, તે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. કેટલાક અભ્યાસો અનુસાર, ચેપગ્રસ્ત પ્રાણી અથવા દર્દીના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવવાથી કેમલ ફ્લૂનું જોખમ રહેલું છે. હાલમાં જ WHOએ તેને સંભવિત ભવિષ્યની મહામારીઓની યાદીમાં સામેલ કર્યું છે. આ સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ફ્લૂ કતારથી આખી દુનિયાને ઘેરી શકે છે. એવી દહેશત છે કે જો કતારમાં કેમલનો ફ્લૂ વધે તો શું તે કોરોના જેવી મહામારીનું સ્વરૂપ ધારણ કરશે.

ફિફાની શરૂઆત 21 નવેમ્બરથી થઈ
ફિફા વર્લ્ડ કપ 2022 21 નવેમ્બરથી કતારમાં શરૂ થયો છે તેની અંતિમ મેચ 18 ડિસેમ્બરે રમાશે. વિશ્વની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. FIFAની આ ટૂર્નામેન્ટ માટે 3.6 હજાર કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરશે. જેમાં ફાઈનલમાં જીતનાર વર્લ્ડ ચેમ્પિયનને 359 કરોડ રૂપિયા મળશે. આ ઈન્ડિયન ક્રિકેટ લીગ (IPL)ની કુલ ઈનામી રકમ (રૂ. 46.5 કરોડ) કરતાં 7.6 ગણી વધુ છે.