ભારતમાં ટોચના 7 શહેરોમાં ઘરોનું વેચાણ 54% વધ્યું, 2014નો રેકોર્ડ તોડ્યો

December 27, 2022

દિલ્હી- ભારતમાં દિવસે ને દિવસે લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે. વિકાસના નવા આયામસર કરી રહેલ ભારતે વર્ષ 2022માં રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ઘરોની બમ્પર માંગના જોરે વર્ષ 2022 રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઘણું સારું રહ્યું છે. 


2021ની સરખામણીમાં ટોચના 7 શહેરોમાં 2022માં હાઉસિંગ એકમોના વેચાણમાં 54 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાત શહેરોમાં 2022માં મકાનોની કિંમત 4 થી 7 ટકા મોંઘી પણ થઈ ગઈ છે. 


એનારોકે હાઉસિંગ માર્કેટના સંદર્ભમાં દેશના ટોચના 7 શહેરોમાં 2022માં હાઉસિંગ વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર 2022માં આ સાત શહેરોમાં કુલ 3,64,900 હાઉસિંગ યુનિટ વેચાયા છે, જે 2021ની સરખામણીમાં 54 ટકા વધુ છે. 2021માં કુલ 2,36,500 હાઉસિંગ યુનિટનું વેચાણ જોવા મળ્યું હતું. અગાઉ 2014માં 3.43 લાખ હાઉસિંગ યુનિટ વેચાયા હતા, જે અત્યાર સુધીનો રેકોર્ડ હતો. 


રેકોર્ડ બ્રેક આંકડા રજૂ કરતા એનારોકના ચેરમેન અનુજ પુરીએ ખુશી વ્યકત કરી છે કે પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો, હોમ લોનના વ્યાજ દરમાં વધારો અને વૈશ્વિક તણાવ છતાં2022 રિયલ એસ્ટેટ સેક્ટરમાં રેસિડેન્શિયલ સેગમેન્ટ માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. હાઉસિંગનું વેચાણ પણ 2014ના રેકોર્ડ ઊંચા સ્તરને પાર કરી ગયું છે. જ્યારે નવા લોન્ચ મર્યાદિત કરવામાં આવ્યા છે.