યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાનું ન્યૂક્લિયર સબમરીનથી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ

November 05, 2023

સબમરીન ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર-3એ પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ બુલાવા બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

મોસ્કો ઃબોરેઈ ક્લાસ સબમરીન 16 બુલાવા મિસાઈલ અને આધુનિક ટોર્પિડો વોરહેડ્સથી સજ્જ છે. રશિયન મીડિયાએ જણાવ્યું કે, પુતિને ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર 3 સબમરીન લોન્ચિંગ સમારોહમાં હાજરી આપી હતી. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ ભીષણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન રશિયાની પરમાણુ સંચાલિત સબમરીન ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર-3એ પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ બુલાવા બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. 


રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ એ પરીક્ષણનું અંતિમ તત્વ છે, ત્યારબાદ ક્રુઝરને નેવીમાં સામેલ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ શક્તિમાં સતત વધારો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બધુ સુરક્ષા સંબંધિત ખતરાનો સામનો કરવા માટે અમે કરી રહ્યા છીએ. જ્યારથી પુતિને યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા છે. રશિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ મિસાઈલને રશિયાના ઉત્તરી કિનારે સફેદ સમુદ્રમાં પાણીની અંદર છોડવામાં આવી હતી. ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલે રશિયાના દૂર પૂર્વમાં કામચાટકા દ્વીપકલ્પ પરના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.   આ દરમિયાન મિસાઈલે હજારો કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જો કે, મંત્રાલયે એ જણાવ્યું નથી કે આ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું.


બોરેઈ ક્લાસ સબમરીન 16 બુલાવા મિસાઈલ અને આધુનિક ટોર્પિડો વોરહેડ્સથી સજ્જ છે. રશિયન મીડિયાએ જણાવ્યું કે પુતિને ડિસેમ્બરમાં ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર 3 સબમરીન લોન્ચ કરવાના સમારોહમાં હાજરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેવી પાસે બોરી ક્લાસની ત્રણ પરમાણુ સંચાલિત સબમરીન છે. એકનું પરીક્ષણ પૂર્ણ થયું છે. ત્રણ હાલમાં નિર્માણાધીન છે. બુલાવા મિસાઈલની વાત કરીએ તો તે 12 મીટર લાંબી છે, જેની રેન્જ લગભગ 8000 કિમી છે. તે પોતાની સાથે 6 પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે. આ રશિયન નેવીની મોટી તાકાત છે.