કુર્લામાં કાળબની બસ ફરીવળી, 6નાં મોત, 30 લોકો ઇજાગ્રસ્ત

December 10, 2024

સોમવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો હતો. બેસ્ટની બસ નંબર 332 કાબૂ બહાર ગઈ અને એક સોસાયટીની દિવાલ તોડીને અટકી ગઈ, જેમાં અનેક વાહનો અને 30 જેટલા લોકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં 3 પુરૂષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. નિયંત્રણ બહારની બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.

સવાલ એ છે કે આટલા મોટા અકસ્માત પાછળનું કારણ શું છે? ડ્રાઈવર નશામાં હોવાને કારણે આ અકસ્માત થયો કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ? આ અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સમયે હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવર નશામાં હતો. દરમિયાન DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. મામલાની તપાસ ચાલુ છે.

આ ઘટના સોમવારે રાત્રે 9.50 કલાકે બની હતી. આ અકસ્માત મુંબઈના પશ્ચિમ કુર્લા વિસ્તારમાં એલ વોર્ડની સામે આવેલી અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એસજી બર્વે રોડ પર થયો હતો. સ્પીડમાં આવતી બસ અનિયંત્રિત હાલતમાં ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસે 100 મીટરના અંતરે અલગ-અલગ 30-40 વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર અને વાહનોમાં બેઠેલા કેટલાક લોકોને ઈજા થઈ હતી. ચારેબાજુ ચીસો સંભળાઇ રહી હતી.