લીબિયામાં પુરમાં તણાઈ ગયો શહેરનો ચોથો ભાગ, 20 હજારના મોત

September 15, 2023

ત્રિપોલી- લીબિયામાં સુનામી જેવું પુર આવ્યા બાદ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. આ દેશ તેના ઈતિહાસના સૌથી ભયાનક પુરનો સામનો કરી રહ્યો છે. ડેનિયલ વાવાઝોડા અને પુરે લીબિયાને સંપૂર્ણ ઘમરોળી દીધું છે. કુદરીત આફતના કારણે 20 હજાર લોકોના મોત નિપજ્યા છે. તો હજુ પણ 10 હજારથી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે.


સ્કાઈ ન્યૂઝના અહેવાલો મુજબ ડેરના શહેરના રસ્તાઓ પર ચારેકોર મૃતદેહો પડ્યા છે. શબઘરોમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. હાલ એવી સ્થિતિ છે કે, મૃતદેહોને સામુહિક કબરમાં દફનાવાઈ રહ્યા છે. વિનાશકારી પુરમાં બચી ગયેલા લોકોએ ભયાનક પુરની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ડેનિયલ વાવાઝોડાના કારણે રવિવારે ડેરના શહેરમાં સુનામી જેવું પુર આવ્યું... લોકો પુરથી બચવા ભાગે તે પહેલાં જ વાવાઝોડું તેમને દરિયા તરફ ખેંચી ગયું... લોકોને જીવ બચાવવાનો સમય જ ન મળ્યો...


વિનાશ પુર આવ્યા બાદ પુરના પાણીમાં અસંખ્ય મકાનો તણાયા છે, તો ઘણા મકાનોને નુકસાન થયું છે. એટલું જ નહીં શહેરના ઘણા રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. હાલ સ્થિતિ એવી છે કે, એક સ્થળેથી બીજા સ્થળે જવું પણ મુશ્કેલ બની ગયું છે. અહેવાલો મુજબ હજારો લોકો હજુ પણ લાપતા છે... દરિયો સતત મૃતદેહોને કિનારે છોડી રહ્યો છે... આવી સ્થિતિમાં લોકો પોતાના સ્વજનને શોધવા પ્રયાસો કરી રહ્યા છે... પુરના કારણે સૌથી વધુ ડેરના શહેરને નુકસાન થયું છે, ઉપરાંત ડેમ તુટવાના કારણે પણ ભારે ખાનાખરાબી સર્જાઈ છે. 
અહેવાલો મુજબ વિનાશકારી પુર બાદ તૂટી ગયેલા ડેમને લોકો ‘મોતનો ડેમ’ કહી રહ્યા છે... એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે, પુરના કારણે તેનું જીવન સંપૂર્ણ બરબાદ થઈ ગયું... આ કુદરતી આપતી છે... રિપોર્ટ મુજબ હવામાં મૃતદેહોની દુર્ગંધ અનુભવાઈ રહી છે. ઉપરાંત માટી નીચે પણ અસંખ્ય મૃતદેહો દબાયા હોવાનું મનાઈ રહ્યું છે... શહેરમાં 10 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.