કરોડોના ખર્ચે તૈયાર કરાયેલું મણિનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ PPP ધોરણે પધરાવાશે

May 21, 2023

અમદાવાદ : મ્યુનિ. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ મણિનગર સ્પોર્ટ્સ સંકુલ 10 વર્ષ માટે PPP ધોરણે ખાનગી માનીતા કોન્ટ્રાક્ટરને પધરાવવા હિલચાલ હાથ ધરવામાં આવી છે અને આ હેતુસર સોમવારે યોજાનારી રીક્રિએશન કમિટીની બેઠકમાં વિવાદાસ્પદ દરખાસ્ત રજૂ કરાશે.

ખાનગી કોન્ટ્રાક્ટરને મણિનગર સ્પોર્ટ્સ સંકુલ ભાડેથી આપવા માટે વાર્ષિક રૂ. 9 લાખની એપસેટ વેલ્યુ નક્કી કરાઈ છે. આમ, AMC દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ મણિનગર સ્પોર્ટ્સ સંકુલ વર્ષે દહાડે રૂ. 9 લાખ એટલેકે મહિને ફી પેટે ફક્ત રૂ. 75,000 લઈને ચલાવવા આપવામાં આવશે.

આમ, શાસક પક્ષ દ્વારા માનીતા કોન્ટ્રક્ટરને ફક્ત રૂ. 75 હજારની ફી વસૂલીને મણિનગર સ્પોર્ટ્સ સંકુલ સોંપી દેવાની કવાયત હાથ ધરાઈ રહી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. AMC દ્વારા કરોડોના ખર્ચે મણિનગર સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાયું છે,

તેમાં વિવિધ પ્રવૃત્તિઓ માટેના સાધનો પણ AMC દ્વારા વસાવવામાં આવ્યા છે અને હવે ખાનગી કોન્ટ્રાક્ટરને મહિને ફક્તરૂ. 75,000ના નજીવા ભાડાની રકમથી ચલાવવા આપી દેવાની હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે.