સુપ્રીમ કોર્ટે 'પરમાત્મા' જાહેર કરવાની અરજી ફગાવી, કહ્યું- ભારત ધર્મનિરપેક્ષ દેશ છે

December 06, 2022

ભારતમાં દરેકને પોતાની પસંદના ભગવાનની પૂજા કરવાનો અધિકાર છે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અરજદારને 1 લાખનો દંડ ફટકાર્યો


નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રને પરમાત્મા તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતમાં દરેકને પોતાની પસંદના ભગવાનની પૂજા કરવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે શ્રી ઠાકુર અનુકુલચંદ્રને દૈવી તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં દરેકને પોતાની પસંદગીના ભગવાનમાં વિશ્વાસ કરવાની સ્વતંત્રતા છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિની ખંડપીઠે અરજી ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે શ્રી ઠાકુર અનુકુલચંદ્રને પરમાત્મા માનવા માટે કોઈને મજબૂર કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે અનુકુલચંદ્રને પરમાત્મા જાહેર કરવાની માંગ પર ટિપ્પણી કરતા કહ્યું કે, આ કોઈ અરજી નથી. કોર્ટે અરજીકર્તા પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને કહ્યું, હવે લોકો આવી અરજી દાખલ કરતા પહેલા ચાર વાર વિચારશે. આકરી ટીપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું હતું કે, જો તમે શ્રી ઠાકુર અનુકુલચંદ્રને ભગવાન માનવા ઇચ્છતા હોવ તો માનો, પરંતુ તમે બીજાને માનવા માટે દબાણ ન કરી શકો. કોર્ટે કહ્યું, અમે અહીં પ્રવચન સાંભળવા નથી આવ્યા.