ટ્રુડોનો ફરી બફાટ, હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારું ગણાવ્યું

November 05, 2023

સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે તે નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ નજીક પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે


ઓન્ટેરિયો ઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતવિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે તે નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ નજીક પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે.  તેમણે આજે સવારે ટ્વિટ કર્યું કે જ્યારે આપણે ઘૃણાસ્પદ ભાષા અને કલ્પના જોઈએ કે સાંભળીએ તો આપણે તેની ટીકા કરવી જોઇએ. પાર્લામેન્ટ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે. કેનેડિયન લોકોને શાંતિપૂર્વક એકઠાં થવાનો અધિકાર છે પણ અમે યહૂદીવિરોધી ભાવના, ઈસ્લામોફોબિયા કે કોઈ પણ પ્રકારની નફરતને સહન નહીં કરીએ. 


સોશિયલ મીડિયા પર લોકો ટ્રુડોના આ ટ્વિટની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્વસ્તિક ચિહ્ન પવિત્રતાનું પ્રતીક છે. જોકે નાજીઓનું ચિહ્ન હેકેનક્રૂઝ નફરતનું પ્રતીક છે. અમુક દિવસો પહેલાં જ ટ્રુડોએ સંસદમાં બોલાવી એક નાજી યુદ્ધ અપરાધીને સન્માનિત કર્યો હતો. તેના બાદ તેમની ચોતરફી ટીકા થઈ હતી જેમાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપવાની ફરજ પડી હતી.