આઇસલેન્ડમાં ફરી જ્વાળામુખી ફાટ્યો, ત્રીજી વખત પેટાળમાંથી આગ નીકળી, 200 ફૂટ ઊંચે લાવા ઉડ્યો

February 12, 2024

નવી દિલ્હી  :ક્લાઈમેટ ચેન્જ એક નાનો શબ્દ છે પરંતુ જ્યારે તેની વિરોધી અસર માનવસૃષ્ટિ પર સર્જાય છે ત્યારે જ આપણને આ કુદરતી ચક્રમાં પડેલ ખલેલ અને આપણે સર્જેલ સમસ્યાઓનો અહેવાસ થાય છે. યુરોપના એક દેશ, આઇસલેન્ડમાં દક્ષિણ પશ્ચિમમાં ગુરુવારે ડિસેમ્બર બાદ ત્રીજી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ડિસેમ્બર બાદથી રેકજેનેસ દ્રિપકલ્પ પર જ્વાળામુખીનો આ ત્રીજો વિસ્ફોટ છે. આ અગનજ્વાળાએ ફરી આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા રેલ્યા છે. 

આ વોલ્કાનોની તીવ્રતા એટલી ભયાનક છે કે, ટાપુ રાષ્ટ્રના સૌથી મોટા પ્રવાસી કેન્દ્રોમાંના એક બ્લુ, લગૂન સ્પાને ખાલી કરાવવાની ફરજ પડી હતી. આ જ્વાળામુખી વિસ્ફોટથી 3.21 કિલોમીટર લાંબી નવી તિરાડ સર્જાઈ છે. આ તિરાડમાંથી 200 ફૂટ ઉંચો લાવાનો ફુવારો બહાર નીકળી રહ્યો છે. હાલમાં આ જ્વાળામુખી વિસ્ફોટને કારણે સ્થાનિક લોકોને કોઈ ઈજા નથી નથી કે, ના તેમની કોઈ સંપત્તિને નુકસાન થયું છે પરંતુ આ લાવા રસ્તા પર વહી ગયો છે. રસ્તાઓ પર જાણે આગની નદી વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. દૂર જતા જ્યાં આગ ઠંડી પડે છે ત્યાં રસ્તા પર રાખ ફેલાઈ રહી છે.

આઇસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું કે વિસ્ફોટ સવારે 6 વાગ્યે (IST) શરૂ થયો હતો અને માઉન્ટ સુન્ધનુકુરથી ત્રણ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં તિરાડ પડી હતી. જ્વાળામુખીનો વિસ્ફોટ 3800 લોકોના દરિયાકાંઠાના શહેર ગ્રિંડાવિકના ઉત્તર-પૂર્વમાં લગભગ ચાર કિલોમીટર દૂર થયો હતો. 

હવામાન કચેરીએ જણાવ્યું કે, લાવા પશ્ચિમ તરફ વહી રહ્યો છે અને ગ્રિંડાવિક અથવા આ વિસ્તારના કોઈપણ મોટા પાવર પ્લાન્ટને તાત્કાલિક કોઈ ખતરો નથી. આઇસલેન્ડના નેશનલ બ્રોડકાસ્ટર RUVના અહેવાલ અનુસાર નાગરિક સુરક્ષા અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે, વિસ્ફોટ પહેલા લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

જ્વાળામુખી ફાટવાના પહેલાં જ નજીકના બ્લુ લગૂન થર્મલ સ્પાને બંધ કરી દેવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. વિભાગે છેલ્લા ત્રણ અઠવાડિયાથી મેગ્માનું નિરીક્ષણ કર્યા પછી સંભવિત વિસ્ફોટ વિશે આ અઠવાડિયાની શરૂઆતમાં જ ચેતવણી આપી હતી.

ગયા શુક્રવારથી આ પ્રદેશમાં સેંકડો નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આઇસલેન્ડિક કોસ્ટ ગાર્ડના એક વીડિયોમાં લાવા આકાશમાં 50 મીટરથી વધુ ઉછળતી દેખાય છે. જ્વાળામુખીથી લગભગ ત્રણ કિલોમીટર ઉપર ધુમાડાનું વાદળ ફેલાયું હતું. આઇસલેન્ડનું મુખ્ય એરપોર્ટ કેફલાવિક આ વિસ્તારમાં જ આવેલું છે.