સ્થિતિ થોડી સામાન્ય થતા અમે કેનેડાના વિઝા સુવિધાને ફરીથી શરૂ કરીશું- જયશંકર

October 22, 2023

દિલ્હી- ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. એવામાં આ સ્થિતિ વચ્ચે લોકોની સૌથી મોટી ચિંતા વિઝા બંધ થવાને લઈને છે. ભારત સરકાર આ બાબત પર ચાંપતી નજર રાખી રહી છે. સ્થિતિ સુધરતાની સાથે જ વિઝા ફરી શરૂ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનું આજે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 


આજ રોજ વિદેશ મંત્રી જયશંકરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલા, ભારત સરકારે કેનેડામાં વિઝા જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રકારની સુવિધા શરુ રાખવીએ ભારતીય રાજદ્વારીઓ માટે સલામત નથી. વિઝા જારી કરવા માટે તેમનું કામે જવું સલામત નથી. તેથી, તેમની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને, વિઝા આપવાની સુવિધા અસ્થાયી ધોરણે બંધ કરવી પડી હતી.
વિઝા પ્રક્રિયા ફરી શરુ કરવા અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, આ સ્થિતિ પર સરકાર દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ થોડી સામાન્ય થતા અમે આ સુવિધાને ફરીથી શરૂ કરીશું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. કેનેડામાં આને ઘણી રીતે પડકારવામાં આવ્યું છે. ઉપરાંત ત્યાં અમારા લોકો અને રાજદ્વારીઓ સુરક્ષિત નથી.