130 કરોડની લોન અપાવવાનું કહીને વડોદરાના બિઝનેસમેન પાસેથી 12 લાખ પડાવી લીધા

February 04, 2024

વડોદરા- પ્લાસ્ટિક મટિરિયલ બનાવાની ફેક્ટરી ચલાવતા બિઝનેસમેનને 130 કરોડની લોન અપાવવાનું  કહીને ગુડગાંવના ઠગે 12.76 લાખ પડાવી લીધા હતા. અરજી કર્યાના દોઢ વર્ષ પછી ગોત્રી પોલીસે  આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


વાસણા ભાયલી રોડ પર માઇલસ્ટોન રેસિડેન્સીમાં રહેતા અશોકભાઇ ધનજીભાઇ બાબરિયા થ્રી બી ફિલ્મસ પ્રા.લિ.ના નામથી વેપાર કરે છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - 2019માં મારા મિત્ર અમિતભાઇ સોની ( રહે. સુરત) સાથે  અમારે લોનની જરૃરિયાત હોવાની  વાતચીત થઇ હતી. અમિતે કહ્યું હતું કે, મારો ભાઇ અલ્પેશ સોની લોનનું કામ કરે છે. તે તમને લોનકરાવી આપશે. ત્યારબાદ અલ્પેશે કોલ કરીને લોન કરાવી આપવાનું કહ્યું હતું. તેણે મારી ઓફિસે આવીને કહ્યું હતું કે, ગુડગાંવના સંજીવ બર્વ, અબુન્ડન્સ ઇન્ડિયાના એમ.ડી. છે. જે તમોને લોન કરાવી આપશે. સંજીવ બર્વ સાથે લોનની મિટીંગ થતા મેં 110 કરોડની લોનની જરૃરિયાત  હોવાનું કહ્યું હતું.  તેમણે મને લોન માટે સુરત બોલાવી કહ્યું હતું કે, લોનની રકમના પાંચ ટકા અને જી.એસ.ટી. સાથે 4.05 લાખ આપવા પડશે. એક એગ્રીમેન્ટ કરી લોનની સિક્યુરિટી પેટે 6.96 કરોડના ચેક લીધા હતા. લોન આવી  ગયા પછી ફી ચૂકવ્યા પછી આ ચેક પરત લઇ જવાની વાત થઇ હતી. ત્યારબાદ તેમણે મારી ફેક્ટરીની વિઝિટ કરી 130 કરોડની લોન કરાવી આપવાની વાત  કરી હતી. અમેરિકન સ્ટાન્ડર્ડ મુજબનું આઇ.એસ.ઓ.સર્ટિફિકેટ જોઇશે. તે હું કઢાવી આપીશ તેવું કહેતા મેં તે સર્ટિફિકેટ માટે 6.98 લાખ ટ્રાન્સફર કર્યા હતા.ઔથોડા દિવસ પછી તેણે જણાવ્યું હતું કે, દુબઇની અલસલામી ઇન્વેસ્ટમેન્ટ ગૃપ કંપનીમાં તમારી 130 કરોડની લોન થઇ ગઇ છે. થોડા દિવસ પછી સંજીવ બર્વનો કોલ આવ્યો હતો કે, લિગલ ફી તથા અબુધાબી ઇન્વેસ્ટમેન્ટમાં લોનનો ઇન્સ્યોરન્સ આપવો પડશે જેની માટે 13.65 લાખ ભરવા પડશે. મેં તેને કહ્યું હતું કે, તમે મારા મિટીંગ કરાવો. પાર્ટીને હું જાતે પૈસા આપીશ. ત્યારે સંજીવે કહ્યું કે, પાર્ટી બહુ મોટી છે. એટલે તમને મળે નહીં.
ત્યારબાદ અમે તેને નોટિસ આપી હતી. તેનો કોઇ જવાબ આપ્યો નહતો. મેં લોનની સિક્યુરિટી  પેટે આપેલા ચેક બેન્કમાં જમા કરાવશે તેવું અમને લાગતા અમે સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું. તેણે ચેક જમા કરાવતા બાઉન્સ થતા તેણે ગુડગાંવ ખાતે ચેક રિટર્નની  ફરિયાદ દાખલ કરી હતી.