સાપુતારા નજીક 65 મુસાફરો ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી, બેના મોત

July 07, 2024

સાપુતારા : હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું શરૂ થઇ જતા પ્રવાસીઓ લીલોતરી અને કુદરતી સૌદર્યની મજા માણવા માટે સાપુતારા સહિત દક્ષિણ ગુજરાત વિવિધ સ્થળોએ ઉપડી પડે છે. ત્યારે તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
સાપુતારાને શામગહાન સાથે જોડતા નેશનલ હાઈવે પર એક સાંકડા માર્ગ પર લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ બસમાં લગભગ 65 જેટલા મુસાફરો હતા. આ બસ ખીણમાં ખાબકતાં બે લોકોના મોત થયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, અકસ્માત વખતે કેટલાક લોકો લક્ઝરી નીચે ફસાઈ ગયા હતા. 

સુરતથી સાપુતારા પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ (બસ નંબર. GJ 05 DT 9393) જે સાંજના અરસામાં સાપુતારા થી પરત સુરત જતાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં બસના ડ્રાયવરે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જેમાં આશરે 8 થી 10 વર્ષની બાળકી અને બાળકનું જગ્યા ઉપર જ મોત થયું હતું. 50 થી 60 માણસો બસમાં સવાર હતાં જેમાં 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ જયારે 20 જેટલાં વ્યક્તિઓને  સામાન્ય ઈજાઓ પહોંચી હતું. ઘાયલ તમામ વ્યક્તિઓને 108 મારફતે શામગહાન CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના પછી તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કરાયું હતું. અનેક ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, લક્ઝરી બસને પણ ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે.