વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પહેલા ભક્તોની ભારે ભીડ

August 18, 2024

વૃંદાવન : વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે મંદિર ખાતે આજે (18 ઑગસ્ટ) ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન ભક્તોની ભીડના કારણે હરિયાણાના એક વૃદ્ધ શ્રદ્ધાળુનું શ્વાસ રૂંધાતા વૃદ્ધનું નિધન થયું છે. બીજી તરફ, વિકેન્ડ અને રક્ષાબંધનના તહેવારોમાં મંદિરમાં દર્શનાર્થીઓની મોટી સંખ્યમાં ભીડ ભેગી થવાની સામે સ્થાનિક તંત્ર અને મંદિર વહિવટકર્તા દ્વારા કોઈ પ્રકારે પગલા લેવામાં આવ્યાં નથી.


શ્રીકૃષ્ણ ધામ વૃંદાવનમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે કોઈ ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં ન આવતા ભક્તો હાલાકી ભોગવી પડે છે. તહેવારો સહિત વિકેન્ડ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓની ભીડના કારણે વૃંદાવન નગરીમાં પગ મુકવાની પણ જગ્યા મળવી મુશ્કેલ બને છે. મંદિરની અંદર ભક્તોની ભીડનું ભારે દબાણ ઊભું થાય છે. આવતી કાલે (19 ઑગસ્ટ) રક્ષાબંધન અને 26 ઑગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે (18 ઑગસ્ટ) ઠાકુર બાંકે બિહારજીના દર્શન કરવા આવેલા હરિયાણાના 65 વર્ષના વૃદ્ધ મામચંદ સૈનીનું ભીડમાં શ્વાસ રૂંધાતા નિધન થયું હતું. મળતી માહિતી પ્રમાણે, દર્શનાર્થીઓની ભારે ભીડમાં દબાણ થતાં વૃદ્ધ બેભાન થઈ ગયા હતા. આ પછી તત્કાલિક વૃદ્ધને વૃંદાવન જિલ્લાના સંયુક્ત હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ ઓફિસર ડોક્ટરે જણાવ્યું હતું કે, 'વૃદ્ધને હોસ્પિટલ લાવતા પહેલા નિધન થયું હતું.'


આગામી 26 ઑગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તહેવારમાં વૃંદાવન નગરી ખાતે લાખોની સંખ્યમાં દર્શનાર્થીઓ આવશે. જો કે, જે વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી થવાની છે, તે વિસ્તારને ત્રણ ઝોન અને 10 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. એડીએમ અને એસપી ઝોનમાં અને એસડીએમ અને ડીએસપી સેક્ટરમાં તહેનાત રહેશે. ભક્તો લાઈવ દર્શન કરી શકે, તે માટે પણ વ્યવસ્થા કરાશે. અલ્હાબાદ હાઈકોર્ટે 25 થી 29 ઓગસ્ટ વચ્ચે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઠાકુર બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપી છે.