પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું પર્વ

August 31, 2024

પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ થઇ રહ્યો હોવાથી જૈન સમાજમાં સર્વત્ર ધર્મભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. પર્યુષણના આ દિવસો દરમિયાન જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં ધર્મભક્તિ સભર વિવિધ કાર્યક્રમોની સાથે ભગવાનની પ્રતિમાને દિવ્ય આંગી - શણગારના દર્શન થશે. જૈન ઉપાશ્રયોમાં સાધુ ભગવંતોના દિવ્ય પ્રવચનો સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, દેરાસરોમાં ભગવાનની આંગીના દર્શન થશે.

પર્યુષણ પર્વના આઠ દિવસ વિશેષ વ્યાખ્યાન આપવામાં આવશે જેમાં શનિવારના પ્રથમ દિવસે સપર્યુષણના પાંચ કર્તવ્યો વિષય પર અને સાંજે જૈન શાસનનો ક્રિયાયોગ વિષય પર વ્યાખ્યાન આપશે. જૈન શ્રાવકો, શ્રાવિકાઓ, મુમુક્ષુઓ સવાર- સાંજે પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા યોજાશે. તો મુમુક્ષુઓ ઉપવાસ, આયંબિલ, એકાસણું, અઠ્ઠાઇ, ક્ષીરસમુદ્ર તપ, 16 ઉપવાસ, માસક્ષમણ જેવી તપસ્યા થશે.તો જિનાલયોમાં પર્વના 8 દિવસ દરમિયાન સ્તવન સંધ્યા અને અવનવી આંગીના દર્શન થશે. જ્યારે પર્વના ચોથા દિવસથી મહાગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થશે.

અમદાવાદના જૈન તિર્થધામોમાં પર્યુષણના મહાપર્વ દરમિયાન જપ - તપ અને આરાધનાની હેલીના દર્શન થશે. ચાતુર્માસ અર્થે પધારેલી આચાર્ય ભગવંતોના દિવ્ય પ્રવચનો દ્વારા શ્રધ્ધા - ભક્તિ સભર કાર્યક્રમો યોજાશે.આઠ દિવસ સુધી આયોજિત વિવિધ કાર્યક્રમો દરમિયાન પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ યોજાશે. પરાપુર્વતી ચાલતી પરંપરાના ભાગરૂપે આ દિવસે જિનાલયોમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગોનું વાંચન થશે.

પુણ્યનું પોષણ, પાપનું શોષણ કરતું આ પર્વ આઠ દિવસનું હોય છે. પર્યુષણ શબ્દ સંસ્કૃત ભાષાનો સંયુક્ત શબ્દ છે. પર્યુષણ શબ્દમાં પરી એટલે ચારેય બાજુ સારી રીતે, ઉષણ એટલે કે આરાધના અને આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણમાં જૈનો તપ, જપ કરે છે. આઠેય દિવસ અહિંસાનું ચુસ્તપણે પાલન કરે છે. ટુંકમાં કહીએ તો પર્યુષણ એટલે પાપ શુદ્વિ માટે આવેલી ગંગામાં ગળાડુબ સ્નાન કરીને શુદ્વ આત્મા બનીએ એ જ હિતાવહ છે.